મુંબઇ, તા. ૨૭
તાજેતરમાં જ બનારસ હિંદુ યુનિવર્સિટી કેમ્પસમાં છેડતીનો વિરોધ કરી રહેલી વિદ્યાર્થીનીઓ પર પોલીસે લાઠીઓ વરસાવી અને હોસ્ટેલમાં ઘુસીને પણ નિર્દયી રીતે માર માર્યો હતો. આ અહેવાલો મીડિયાથી લઇ સોશિયલ મીડિયામાં પણ છવાયેલા રહ્યા હતા. સોશિયલ મીડિયા પર બીએચયુ તંત્ર અને યુપી સરકાર પર લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ખાસ કરીને છોકરીઓ પર લાઠીચાર્જ કરવા બદલ લોકો વધારા આક્રોશિત છે. સોશિયલ મીડિયા પર લોકો એમ પણ કહી રહ્યા છે કે, બેટી બચાવો, બેટી પઢાવોનું સૂત્ર આપારી મોદી સરકારને આજે દેશની પુત્રીઓ પર લાઠીઓ વરસારવતા શરમ નથી આવતી ? આ મામલે હવે બોલિવૂડ અભિનેતા એઝાઝખાને પણ પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપ અને વડાપ્રધાન મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કર્યા હતા.
એઝાઝખાને જણાવ્યું હતું કે, આ ભાજપની સરકાર મદ્રેસાઓમાં સીસીટીવી કેમેરા લગાવી શકે છે પરંતુ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કેમેરા લગાવી શકતી નથી. એઝાઝખાને ફેસબૂક પેજ પરથ લાઇવ વીડિયો બનાવી પીએમ મોદીને નિશાન બનાવતા કહ્યું છે કે, આ વ્યક્તિ હિટલરથી પણ વધુ ખરતનાક છે. તેણે કહ્યું છે કે, દેશની પુત્રીઓએ પીએમ મોદી અને યોગી આદિત્યનાથને વોટ આપ્યા છે. પરંતુ તેમણે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. જો દેશમાં છોકરીઓને બચાવવી હોય તો મોદી અને યોગીને હટાવવા પડશે.