(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
પેટ્રોલ અને ડીઝલમાં કમરતોડ ભાવવધારાને પગલે સામાન્ય જનતાને મોંઘવારીએ વધુ એક ઝાટકો આપ્યો છે. સરકારે રવિવારે સીએનજીના ભાવોમાં પણ વધારો કરી દીધો છે. દિલ્હીમાં સીએનજીની કિંમતમાં ૧.૭૦ રૂપિયા પ્રતિકિલો અને નોઇડામાં ૧.૯૫ રૂપિયા પ્રતિકિલોનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે વધારા બાદ સબસિડીવાળા રાંધણગેસ સિલિન્ડરના ભાવોમાં વધારો ઝીંકાયો હતો અને હવે સીએનજીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સબસિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ૨.૮૯ રૂપિયાનો વધારો થતા હવે તેની કિંમત ૫૦૨.૪૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગઇ છે. જ્યારે સબસિડી વિનાના ગેસ સિલિન્ડરમાં ૫૯ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલે કહ્યું છે કે, સિલિન્ડરની કિંમતોમાં આ વધારો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતો વધવા અને વિદેશી મુદ્રા વિનિમય દરમાં ચડ-ઉતરને કારણે થયા છે. ઇન્ડિયન ઓઇલ કંપનીએ જણાવ્યું હતું કે, સબસિડીવાળા સિલિન્ડરની કિંમત પર માત્ર ૨.૮૯ રૂપિયા સિલિન્ડરનો વાસ્તવિક પ્રભાવ પડશે. તેણે કહ્યું કે, તેનું મુખ્ય કારણ તેના પર જીએસટી લાગુ થવું છે. દિલ્હીમાં સીએનજીની કિંમતો પણ વધી ગઇ છે. અહીં હવે સીએનજીની કિંમતો ૪૪.૩૦ રૂપિયા પ્રતિકિલોગ્રામ થઇ ગઇ છે એટલે કે સીએનજીની કિંમતમાં ૧.૭૦ રૂપિયા પ્રતિકિલોગ્રામનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં સરકારે ઘરેલુ પ્રાકૃતિક ગેસ (પીએનજી)ની કિંમતોમાં ૧૦ ટકા વધારાની જાહેરાત કરી હતી. વધેલા દરો ૧લી ઓક્ટોબર ૨૦૧૮થી લાગુ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ વિદ્યુત તથા યુરિયા ઉત્પાદનનો ખર્ચ પણ વધશે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર પ્રાકૃતિક ગેસના મોટાભાગના ઘરેલુ ઉત્પાદકોને અપાનારી કિંમત હાલ ૩.૦૬ ડોલર પ્રતિ ૧૦ લાખ બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ)થી વધારીને ૩.૩૬ ડોલર પ્રતિ એમએમબીટીયુ કરવામાં આવી છે.