(એજન્સી) તા.૩૦
બુધવારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ગગડીને ૭૦.પપ થઈ જતાં કોંગ્રેસે સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે, આ નોટબંધી અને જીએસટીને ખોટી રીતે લાગુ કરવા સહિત સરકારે કરેલા અર્થતંત્રના ગેરવહીવટનું પરિણામ છે. બુધવારે નોટબંધી વિશે જાહેર થયેલા આર.બી.આઈ.ના અહેવાલનો હવાલો આપી કોંગ્રેસે કહ્યું હતું કે, “ડોલર સામે રૂપિયો રૂા.૭૦.પપની સપાટી પર છે અને ઐતિહાસિક રીતે નિમ્નસ્તરે છે.” કોંગ્રેસ પ્રવકતા મનિષ તિવારીએ કહ્યું હતું કે, “જો તમને યાદ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે એક કઠોર ટ્‌વીટ કરીને કહ્યું હતું કે તે સમયના વડાપ્રધાન મનમોહનસિંહની ઉંમર અને રૂપિયા વચ્ચે હરિફાઈ ચાલી રહી છે અને રૂપિયાએ તેનું મૂલ્ય ગુમાવી દીધું છે” તેમણે કહ્યું હતું કે, “અમે વડાપ્રધાન અને તેમની સરકારને પૂછવા માંગીએ છીએ કે તે બધા વખાણોને વ્યાજ સહિત પાછા આપવાનો સમય આવી ગયો છે” તિવારીએ કહ્યું હતું કે, આજે નોટબંધી અને અયોગ્ય રીતે જીએસટીને લાગુ કરવાના કારણે રૂપિયો ૭૦ની સપાટી પર છે”