(એજન્સી) તા.૧૪
સામાન્ય કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગો માટે ૧૦ ટકા અનામત દાખલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરવા જઇ રહ્યા છે જે ૧૯૯૧માં પી વી નરસિહરાવે કર્યુ હતું અને નિષ્ફળ ગયા હતા. નરસિંહરાવ ઓફિસ મેમોરેન્ડમ સાથે અનામત લાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મોદીએ બંધારણમાં સુધારો કર્યો છે.
સુપ્રીમકોર્ટે નરસિંહરાવના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને રદબાતલ ઠરાવ્યો હતો જ્યારે મોદીએ બંધારણમાં સુધારો એ આશાએ કર્યો છે કે અદાલત તેને રદબાતલ ઠરાવશે નહીં. પરંતુ અહીં જ મુખ્ય અદાલતી મુદ્દો છે. સુપ્રીમકોર્ટે ૧૯૯૨ના ઇન્દ્રશ્વેહની કેસમાં રાવના નિર્ણયને એક્ઝિક્યુટીવ ઓર્ડર દ્વારા કરવામાં આવ્યો હોવાના એક માત્ર કારણસર ગેરબંધારણીય ઠરાવ્યો ન હતો.
સુપ્રીમકોર્ટે નરસિંહરાવ સરકારના નિર્ણયને રદબાતલ ઠરાવતા જણાવ્યું હતું કે આવક-સંપત્તિના આધારે ખુલ્લી સ્પર્ધાના ઉમેદવારોમાં ૧૦ ટકા જગ્યાઓની અનામતનો અર્થ એ થાય છે કે જે લોકો ૧૦ ટકાની ઉપર આવે છે તેમની બાદબાકી થઇ જાય છે. પ્રશ્ન એ છે કે શું બંધારણીય રીતે આ ગ્રાહ્ય રાખી શકાય ? અમારું માનવું છે કે ના. આવક કે સંપત્તિ ધારણના એક માત્ર આધાર પર સરકારી પદ માટે કોઇ પણ નાગરિકને પ્રતિબંધિત કરી શકાય નહીં.
સરકાર હેઠળ રોજગારનો હેતુ લોકોની સેવા કરવાનો હોય છે કે જ્યાં આવા પ્રતિબંધ ઊભા કરી શકાય નહીં. આ પ્રકારનો પ્રતિબંધ અનુચ્છેદ-૧૬ના ક્લોઝ(૧)માં જણાવ્યા પ્રમાણે સમાન તકોની બાહેધરીને અનુરુપ નથી. પરંતુ પ્રશ્ન એ છે કે શું મોદી ૧૨૪માં સુધારાના કારણે આ નવા ક્વોટા સાથે છટકી જઇ શકે છે ? અનુચ્છેદ ૩૬૮ સરકારને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે પરંતુ સુપ્રીમકોર્ટે ભૂતકાળમાં ઠરાવ્યું છે કે જ્યાં સુધી બંધારણના પાયાના માળખામાં ફેરફાર ન થાય ત્યાં સુધી જ તે માન્ય રાખવામાં આવે છે.
આથી એવી દલીલ થઇ શકે કે ૧૦ ટકા અનામત આપવાની મોદીની હિલચાલ સમાન તકના બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને સુસંગત નથી અને તેથી આ નિર્ણય બંધારણના મૂળભૂત અને પાયાના માળખાને અનુરુપ નથી. પરંતુ આ મામલો અદાલતમાં પહોંચે તો પણ ભાજપે ચિંતા કરવાની જરુર નથી કારણ કે લોકસભા ચૂંટણી પૂર્વે આ મામલે કોઇ અદાલતનો ચુકાદો આવે એવી શક્યતા બહુ ઓછી છે. આનો અર્થ એ થયો કે ભાજપે સવર્ણો સમક્ષ એક પ્રકારનું ગાજર લટકાવ્યું છે જે ભાગ્યે જ કોઇના હાથમાં આવશે.