(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
બસપાના અધ્યક્ષ માયાવતીએ મ્યાનમારમાં અશાંતિ અને હિંસાના કારણે ભારતમાં શરણ લઈ રહેલાં હજારો ગરીબ અને નિરાધાર રોહિંગ્યા મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરતાં ભારત સરકારને કડક પગલાં ન લેવા કહ્યું છે. તેમણે કહ્યું કે, તેમના પ્રત્યે માનવતાના ધોરણે કડક વલણ અપનાવવું જોઈએ નહીં. તેમજ રાજ્યોને પર પણ તેના માટે દબાણ કરવું જોઈએ નહીં. માયાવતીએ એક નિવેદનમાં જણાવ્યું કે, મ્યાનમારના સીમાવર્તી રાજ્યોમાં અશાંતિના કારણે પલાયન કરી રહી રોહિંગ્યા મુસલમાનો બાંગ્લાદેશમાં શરણ લઈ રહ્યા છે તથા હજારો લોકો ભારતના વિભિન્ન રાજ્યોમાં શરણાર્થી બનીને રહી રહ્યા છે. તેમના પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ ન હોવાથી અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. માયાવતીએ સરકારને સલાહ આપતાં કહ્યું કે, ભારત સરકારે આ શરણાર્થીઓ પ્રત્યે માનવીય દૃષ્ટીકોણ અપનાવવો જોઈએ. જે ભારતની પરંપરા છે. તેમજ મ્યાનમાર અને બાંગ્લાદેશની સરકાર સાથે વાતચીત કરી આ મામલે ઉકેલ લાવવામાં મદદ કરવી જોઈએ. ભારતીય ગૃહ મંત્રાલય આ મામલે નિવેદન આપી ચૂક્યું છે કે, રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં શરણ આપશે નહીં. તેમને પાછા મોકલી દેશે. ભારતે મ્યાનમારની સીમા પાસે સુરક્ષા વધારી દીધી છે.