(એજન્સી) નવી દિલ્હી, તા.પ
દિલ્હીમાં બુધવારે આશરે એક લાખ જેટલા ખેડૂતો સહિત લાખો લોકો મજદૂર કિસાન સંઘર્ષ રેલીમાં જોડાયા હતા અને પેન્શન, મહેનતાણામાં વધારો તથા લોનમાફીની માગ સાથે મોદી સરકાર વિરૂદ્ધ જંગે ચડ્યા છે. ખેડૂતોની જંતર મંતરથી સંસદ સુધીની રેલી દરમિયાન રાજધાની ખેડૂતોના લાલ રંગના વાવટાથી રંગાઇ હતી. આ રેલી સેન્ટ્રલ યુનિયન ટ્રેડ યુનિયન્સ, ઓલ ઇન્ડિયા કિસાન સભા અને ઓલ ઇન્ડિયા એગ્રીકલ્ચરલ વર્કર્સ યુનિયનની સંયુક્ત નેતાગીરી હેઠળ યોજાઇ હતી. પ્રથમવાર એવું બન્યું હતું કે, ખેડૂતોની રેલી ડાબેરીઓના નેજા હેઠળ યોજાઇ હતી. સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સના મહાસચિવ તપન સેને કહ્યું કે, સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે લાખોની સંખ્યામાં આજે ઐતિહાસિત રીતે પ્રથમવાર કામદારો અને ખેડૂતો એકસાથે રેલીમાં જોડાયા હતા. આશરે ૩૦,૦૦૦ ખેડૂતો એક દિવસ પહેલા જ રામલીલા મેદાનમાં પહોંચી ગયા હતા તેમ અહેવાલોમાં જણાવ્યું હતું. ગયા અઠવાડિયે ભારે વરસાદ હોવાને કારણે વધુ લોકો અહીં આવી શક્યા નહોતા.
ઓલ ઇન્ડિયા કિસાન સભાના જોઇન્ટ સેક્રેટરી વીજુ ક્રિશ્નને કહ્યું કે, અમે મેદાનના ફક્ત ૪૦ ટકા ભાગનો જ ઉપયોગ કરી શક્યા છીએ તેથી અમારે મોટાભાગના લોકોને નજીકના ગુરૂદ્વારા તથા અન્ય કેમ્પોમાં ઉપરાંત ગેસ્ટ હાઉસમાં રાખવા માટે મજબૂર બન્યા છીએ. દેખાવકારો આગામી નવેમ્બર માસમાં ફરી થનારા દેખાવો માટે પણ સજ્જ છે. આગામી ૨૮થી ૩૦ નવેમ્બરે યોજાનારી રેલીમાં અમે અવગણના વિરૂદ્ધ લાંબી રેલી યોજીશું. આ ફક્ત ખેડૂતો માટે જ નહીં પણ જમીનવિહોણા, આદિવાસીઓ, દલિતો કામદારો પણ દિલ્હી ખાતેની માર્ચમાં મોટાપાયે જોડાશે.
આગામી રેલીમાં ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમિતી મોટી ભૂમિકા નિભાવવા માટે સજ્જ થઇ છે.
પાટનગરમાં ખેડૂત રેલીને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા પોલીસે લોકો માટે નવી એડવાઇઝરી જારી કરવાની ફરજ પડી હતી. અહેવાલ મુજબ ખેડૂતોએ એમની માગણી પૂરી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં મોટું આંદોલન થશે એવી કેન્દ્ર સરકારને ચીમકી આપી છે. રેલીમાં ખેડૂત સંગઠને જણાવ્યું કે જો સરકાર ખેડૂતો પ્રત્યેની નીતિ બદલશે નહીં તો તેઓ સરકાર બદલી નાખશે. ખેતીમાં જોતરાયેલા મજૂરો માટે ેઉદાર કાયદો, ગ્રામીણ વિસ્તારોમાં યોગ્ય રીતે મનરેગા લાગુ કરવામાં આવે, ખાદ્યસુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઘરની સુવિધાઓ પૂરી પાડવામાં આવે, મજૂરોને ઠેકેદાર પ્રથામાંથી રાહત, જમીન અધિગ્રહણના નામે ખેડૂતો પાસેથી જબરદસ્તી જમીન છીનવા પર રોક અને કુદરતી આપત્તિથી પીડિત ગરીબોને ઉચિત રાહત મળે એમ વિવિધ માગણીઓ સાથે ખેડૂતો સડકો પર ઉતર્યા હતા.

મોદી સરકારે જાહેરાતો પાછળના નાણા જગતના તાત પાછળ ખર્ચ્યા હોત તો આ સ્થિતિ સર્જાઇ ના હોત : સીતારામ યેચુરી

ખેડૂતોના દેવા માફી, પાકનું યોગ્ય વળતર મોંઘવારીમાં રાહત, લઘુત્તમ ભથ્થા જેવા વિવિધ મુદ્દે પોતાની માગણીઓને લઈને સરકાર વિરૂદ્ધ સડક પર ઉતરેલ હજારો ખેડૂતો અને મજૂરોની રેલીમાં સીપીઆઈ(એમ) મહાસચિવ સીતારામ યેચુરીએ પણ સમર્થન કર્યું હતું. તેમણે મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે જનતામાં રોષ ભભૂક્યો છે. સત્તામાંથી આ સરકારને દૂર કરાશે ત્યારે જ સારા દિવસો (અચ્છે દિન) આવશે. એમણે કહ્યું કે મોદી સરકાર જાહરાતો પાછળ જેટલા રૂપિયા ખર્ચ કરે છે એટલા અન્નદાતાઓને આપ્યા હોત તો આ પરિસ્થિતિ પેદા થઈ ન હતો.