(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કેએમ જોસેફને સુપ્રીમકોર્ટના જજ નિયુક્ત કરવાની કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હોવાછતાં જસ્ટિસ જોસેફને સુપ્રીમકોર્ટના જજ નિયુક્ત નહીં કરવા બદલ કોંગ્રેસે કેન્દ્ર સરકારની ટીકા કરીને જણાવ્યું કે જસ્ટિસ જોસેફને સુપ્રીમકોર્ટના જજ નિયુક્ત નહીં કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બદલાનું રાજકારણ ઉઘાડું પડી ગયું છે. કોંગ્રેસે એવો પ્રશ્ન પણ કર્યો છે કે શું મોદી સરકાર કાયદાથી પર છે. કોંગ્રેસની સાથે ડાબેરી પક્ષોએ પણ સરકારના આ પગલાને ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ ગણાવ્યો છે. જ્યારે સુપ્રીમકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિકાસસિંહે જણાવ્યું કે માત્ર મલ્હોત્રાની નિયુક્તિની બહાલી આપીને કેન્દ્રે ન્યાયતંત્રની કામગીરીમાં હસ્તક્ષેપ કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે જસ્ટિસ જોસેફના મામલામાં કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. જ્યારે બીજીબાજુ, કેન્દ્ર સરકારે કોંગ્રેસના આરોપ ફગાવીને વળતા પ્રહારો કર્યા છે. કપિલ સિબ્બલે જણાવ્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા ખતરામાં છે. સરકાર હાઇકોર્ટમાં પોતાના માણસોને બેસાડવા માગે છે. જસ્ટિસ જોસેફનો સૌથી કાબેલ જજીસમાં સમાવેશ થાય છે પરંતુ કેન્દ્ર સરકાર તેમની નિયુક્તિ સામે અવરોધો ઉભા કરી રહી છે. કેન્દ્રને લાગે છે કે તેઓ કાબેલ નથી. જસ્ટિસ જોસેફે જ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય બદલી નાખ્યો હતો. સિબ્બલે જણાવ્યું કે અમે વકીલોને પૂછવા માગીએ છીએ કે આજે ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે કોણ ઉભો થશે. દેશની ઘણી હાઇકોર્ટોમાં જજીસના હોદ્દા ખાલી પડેલા છે.