લખનઉ, તા. ૪
ઉત્તરપ્રદેશમાં પાછલા દિવસોમાં બનેલા નાની મોટી હિંસક ઘટનાઓ અંગે સમાજવાદી પાર્ટીએ મોદી અને યોગી સરકાર પર પ્રહારો કર્યા છે. સપાના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાજપ અને આરએસએસની વિચારધારા વિરોધાભાસી છે. ઉત્તરોપ્રદેશ કોમી તંગદિલીની આગમાં બળી રહ્યંુ છે. એક ડઝનથી પણ વધુ જિલ્લામાં ભય અને દહેશતનો માહોલ છે. સમાજના દરેક તબક્કાને હેરાન કરવામાં આવી રહ્યા છે. ભાજપ સરકારે તંત્ર અને સંઘ કાર્યકરોને ખુલ્લી છૂટ આપી દીધી છે કે તેઓ લઘુમતીઓને પોતાની માનસિકતાનો શિકાર બનાવી રહ્યા છે. ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાજપના ટોચની નેતાગીરીનું સંરક્ષણ મળતા સમગ્ર રાજ્યમાં મોટા પાયે અરાજકતા ફેલાઇ રહી છે. પાછલા દિવસોમાં પ્રદેશમાં કોમી તંગદિલી જોવા મળી છે જેના કારણે રાજ્યના એક મોટા વર્ગમાં ઉચાટ અને ગભરાટ વ્યાપી ગયો છે. કાયદા અંતર્ગત સમાજના તમામ વર્ગો પોતાના ધાર્મિક વિશ્વાસ અનુસાર જૂલુસ કાઢવાની આઝાદી રાખે છે. ભાજપ સરકારે તેના પણ કુઠારાઘાત કર્યો છે. સત્તાપક્ષ દળના સમર્થક કાયદા સાથે રમત કરવાની કોઇ તક ગુમાવતા નથી.