કોલકાતા, તા. ૧૪
કેન્દ્ર સરકાર સાથ સર્જાયેલા નવા ઘર્ષણમાં પશ્ચિમ બંગાળ સરકારે તમામ શાળાઓ તથા અન્ય શિક્ષણ સંસ્થાનોને જરૂરી નિર્દેશમાં જણાવ્યંુ છે કે, તેઓ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય દ્વારા નિર્ધારિત માળખામાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓને રોકી દે. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયના સંબંધિત સર્ક્યુલર સામે મમતા બેનરજી સરકારની આ પ્રતિક્રિયા એક નિર્દેશ તરીકે આવી છે જેને રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાનના તમામ જિલ્લાના પરિયોજનાના પ્રભારીઓને મોકલવામાં આવ્યું છે. દેશના ૭૦મા સ્વતંત્રતા સમારોહમાં શાળાઓ તથા કોલેજો દ્વારા કેટલીક વધારાની ગતિવિધિઓના કેન્દ્રીય મંત્રાલયના સર્ક્યુલરને એક રીતે ફગાવતા રાજ્ય સરકારે ૧૧ ઓગસ્ટના પોતાના નિર્દેશમાં જણાવ્યું છે કે, શાળાકીય શિક્ષણ વિભાગે એવું નક્કી કર્યું છે કે, સ્વતંત્રતા દિવસ ૨૦૧૭ને આ રીતે મનાવવામાં નહીં આવે. નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, શાળાઓ તથા કોલેજો જે રીતે દર વર્ષે સ્વતંત્રતા દિવસ મનાવે છે તે જ રીતે મનાવે. રાજ્યના શિક્ષણ મંત્રી પાર્થા ચેટરજીએ જણાવ્યું હતું કે, રાજ્યના લોકોને દેશભક્તિ અંગે કેન્દ્ર સરકાર પાસેથી પાઠ ભણવાની જહરૂર નથી. કેન્દ્રમાં સત્તાધારી પક્ષને અન્ય રાજ્યોને એ કહેવાની જરૂર નથી કે, તેઓ સ્વતંત્રતા દિવસ કેવી રીતે મનાવે. તેમણે કહ્યું કે, એવું નથી કે, અમે કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છીએ પરંતુ આ ઉજવણી અમે અમારી રીતે મનાવીશું. અમે ભાજપ પાસેથી દેશભક્તિના પાઠ નહીં ભણીએ.