(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
સુપ્રીમકોર્ટે આજે કેન્દ્ર સરકારના જાહેરનામાને રદ કરતાં આદેશ આપ્યું હતું. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કતલના ઉદ્દેશ્યથી પશુઓના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકતો જાહેરનામું બહાર પાડયું હતું. સુપ્રીમકોર્ટે મદ્રાસ હાઈકોર્ટના મનાઈ હુકમને ચાલુ રાખી એનો વ્યાપ સમગ્ર દેશમાં વધારવા સૂચવ્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટના આદેશ સામે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, એ સંબંધિત વ્યક્તિઓની સૂચના અને સલાહો મુજબ એમાં ફેરફાર કરી ફરીથી જારી કરશે. કેન્દ્ર સરકારે ર૩મી મેના રોજ જાહેરનામુ બહાર પાડયું હતું. કેન્દ્ર સરકારે કહ્યું ‘પર્યાવરણ મંત્રાલય અને જંગલ વિભાગથી મસલતો કર્યા પછી નવું જાહેરનામું બહાર પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફે વધારાના સોલિસિટર જનરલે સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરી હતી. મે મહિનામાં મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે કેન્દ્ર સરકારના જાહેરનામા ઉપર ચાર અઠવાડિયા માટે મનાઈ હુકમ આપ્યો હતો. હાઈકોર્ટની બેંચે બે અરજદારોની જુદી-જુદી અરજીઓની સુનાવણી કરી રહી હતી. અરજદારોએ રજૂઆત કરી હતી કે જાહેરનામું બંધારણ વિરૂદ્ધ છે જે સમવાયતંત્રના મૂળ માળખાનો જ ભંગ કરે છે અને એમના મુખ્ય કાયદાથી વિરૂદ્ધ છે જે કાયદો પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટૂ એનિમલ એક્ટ ૧૯૬૦ની જોગવાઈઓમાં જણાવેલ છે. કેન્દ્ર સરકારે આનું પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, જાહેરનામાનો ઉદ્દેશ્ય પશુઓના માર્કેટને નિયંત્રિત અને નિયમિત કરવાનો છે. જો કે, બેંચે કેન્દ્ર અને રાજ્ય સરકારને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.