(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
એક મોટા શાખા વિસ્તરણના નિર્ણય સાથે કેન્દ્રની મોદી સરકારે ૧૦ કેન્દ્રીય એજન્સીઓને એવો પરવાનો આપી દીધો છે કે, તે હવે કોઇપણ કમ્પ્યુટરમાં રહેલી રિસીવ અને સ્ટોર્ડ ડેટા સહિત કોઇપણ જાણકારીની તપાસ, ઇન્ટરસેપ્ટ અને ડિક્રિપ્ટ કરી શકે છે. જોકે આ પગલાંથી વિપક્ષને કેન્દ્ર સરકાર પર ફરી પ્રહાર કરવાની તક મળી છે. ગૃહ સચિવ રાજીવ ગૌબાએ એક આદેશમાં જણાવ્યું કે, આ કાયદા અંતર્ગત એજન્સીઓ કોઇપણ પરવાનગી વિના કમ્પ્યુટરમાં રહેલી રિસીવ અને સ્ટોર્ડ ડેટા સહિત કોઇપણ જાણકારીની તપાસ ઇન્ટરસેપ્ટ અને ડિક્રિપ્ટ કરી શકે છે.
ગૃહમંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આદેશ અનુસાર ૧૦ એજન્સીઓ પાસે અધિકાર છે કે, તેઓ કોઇપણ કમ્પ્યુટરના ડેટાને ચેક કરી શકે છે. આ એજન્સીઓમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો, પ્રવર્તન નિર્દેશાયલ(ઇડી), સેન્ટ્રલ ટેક્સ બોર્ડ, મહેસૂલી ગુપ્તચર નિર્દેશાલય, કેન્દ્રીય તપાસ બ્યૂરો, રાષ્ટ્રીય તપાસ એજન્સી, કેબિનેટ સચિવાલય(આર એન્ડ ડબલ્યુ), ડાયરેક્ટર ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ(જમ્મુ-કાશ્મીર, નોર્થઇસ્ટ અને આસામ માટે) અને દિલ્હીના પોલીસ કમિશનરનું નામ સામેલ છે. આ જાહેરનામામાં સ્પષ્ટતા કરાઇ છે કે, કોઇપણ કમ્પ્યુટરના કોઇપણ સબસ્ક્રાઇબર કે સર્વિસ પ્રોવાઇડર ઇન્ચાર્જ એજન્સીઓને તમામ સુરક્ષા અને ટેકનિકલ જાણકારીઓ આપવા માટે બંધાયેલો છે. જો તેમાં ચૂક કરવામાં આવશે તો વ્યક્તિને સાત વર્ષની કેદ તથા દંડ ભરવાનો પણ વારો આવી શકે છે.સરકારના આ નિર્ણયનો સીપીઆઇએમ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને તૃણમુલ કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષે ગૃહમંત્રાલયના આદેશનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, આ વખતે ગોપનિયતા પર હુમલો કરાયો. સૂરજેવાલાએ ટિ્‌વટમાં લખ્યું કે, ‘‘મોદી સરકારે નિર્લજ્જ છૂટાદોર સાથે ગોપનિયતાના અધિકારની મજાક ઉડાવી અને ઉલ્લંઘન કર્યું છે ! ચૂંટણીઓ હારતા શું તેઓ તમારા કમ્પ્યુટરને સ્કેન/જાસૂસી કરવા માગે છે ? બિગ બ્રધરના રોગોમાં હવે એનડીએના ડીએનએ કરવાનો પણ સમાવેશ !’’

તપાસ એજન્સીઓને જાસૂસીની સત્તા આપવાના આદેશથી ગૃહમંત્રાલય પર વિપક્ષની પસ્તાળ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
કેન્દ્રની ૧૦ એજન્સીઓને દેશના કોઇપણ કમ્પ્યુટરમાં એજન્સીઓ કોઇપણ પરવાનગી વિના કમ્પ્યુટરમાં રહેલી રિસીવ અને સ્ટોર્ડ ડેટા સહિત કોઇપણ જાણકારીની તપાસ ઇન્ટરસેપ્ટ અને ડિક્રિપ્ટ કરી શકે છે અથવા ચકાસી શકે છે તેવા આદેશને વિપક્ષે ગેરબંધારણીય અને મૌલિક અધિકાર વિરૂદ્ધ ગણાવ્યો છે. કોંગ્રેસ, સીપીઆઇએમ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને તૃણમુલ કોંગ્રેસે ૨૦મી ડિસેમ્બરે આપેલા આદેશ સામે અવાજ ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે, આ આદેશ ગોપનિયતાના અધિકાર વિરૂદ્ધ છે જે મૌલિક અધિકાર છે. સરકારે ચાલબાજી કરી આદેશ આપ્યો અને અમે સામુહિક રીતે તેનો વિરોધ કરીએ છીએ. લોકશાહીમાં તમામ માહિતીઓ એજન્સીઓ લઇ શકે જે તેમના હિતમાં હોય તે ચલાવી લેવાય નહીં. સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે કહ્યું કે, આદેશ ગેરબંધારણીય છે અને હાલની સરકારે સામાન્ય ચૂંટણીઓના મહિના બાકી છે ત્યારે આવા આદેશ આપવા જોઇએ નહીં. આ સરકારના હવે કેટલાક મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે કેન્દ્રમાં નવી સરકાર બનવાની છે તે વખતે પોતાના માટે જ ખાડા ના ખોદે. ટીએમસીના સુખેન્દુ શેખરે કહ્યું કે, આ વલણ રાક્ષસી છે જ્યારે રાજદના મનોજ ઝાએ કહ્યું આ ફક્ત સાંસદો જ નહીં પણ દરેક ભાતીય માટે ચિંતાનો વિષય છે. સીતારામ યેચૂરીએ કહ્યું કે, શા માટે દરેક ભારતીયને અપરાધી તરીકે જોવા પડે ? દરેક નાગરિક પર નજર રાખવાના સરકાર દ્વારા અપાયેલા આદેશ ગેરબંધારણીય અને ટેલિફોન ટેપિંગ દિશાનિર્દેશ,આધાર અને ગોપનિયતાના સુપ્રીમના ચુકાદાનું ઉલ્લંઘન કરે છે

એજન્સીઓને આપણી જાસૂસીની સત્તા આપવાના
કાયદાને કોંગ્રેસે મૌલિક અધિકાર પર હુમલો ગણાવ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
કોઇપણ નાગરિકોના ફોન પર નજર રાખવા માટે ૧૦ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને સત્તા આપવાના આપવાના આદેશ અંગે કોંગ્રેસ અને વિપક્ષી દળોએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે આ આદેશને અત્યંત ચિંતાજનક ગણાવ્યો હતો. કોંગ્રેસના આનંદ શર્માએ કહ્યું કે, ગૃહ મંત્રાલયનો આદેશ મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે. તે ગોપનિયતાના અધિકાર વિરૂદ્ધ પણ છે જેની ગેરંટી બંધારણ પણ આપે છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજો તથા રાજનેતાઓ જેવા મોટા લોકોના પણ ફોન ટેપ થઇ શકે છે. અમે સંસદમાં ઘણીવાર મુદ્દો ઉઠાવ્યો છે કે, સામાન્ય લોકો, રાજનેતાઓ, જજો, સાંસદો અને સરકારના ટોચના અધિકારીઓના ફોન સરકાર દ્વારા ટેપ કરવામાં આવે છે. તમામ કમ્પ્યુટરને જાસૂસીના દાયરામાં લાવવાના આદેશ કોઇપણ લોકશાહીમાં ચલાવી શકાય નહીં અને અમે તેનો સામુહિક વિરોધ કરીશું. સંસદમાં વિપક્ષ સંયુક્ત રીતે તેનો વિરોધ કરશે. આ સરકાર કામ કરવા માગતી નથી તેથી જ સંસદ પણ ચાલવા દેવા માગતી નથી. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહમદ પટેલે મોદી સરકારને આદેશ બદલ ઝાટકી હતી. તપાસ સંસ્થાઓને તમામ સત્તા આપી દેવાથી દુરૂપયોગ થઇ શકે છે. ફોન કોલ્સ અને કમ્પ્યુટરની કોઇપણ ચકાસણી અને સંતુલન વિના જાસૂસી કરવાની એજન્સીઓને સત્તા આપવી અત્યંત ચિંતાજનક બાબત છે.