(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
બિનશરતી લોન માફી, શેરડીની મિલોનું બાકીનું લેણું ચુકવવા, પાકો માટેના લઘુત્તમ ટેકાના ભાવ, ખેતરો માટે મફત વિજળી અને ડીઝલના ભાવમાં કાપની માગણી સાથે ૩૦ હજારથી વધુ ખેડૂતોએ મંગળવારે ‘ખેડૂત ક્રાંતિ પદયાત્રા’ હેઠળ દિલ્હી તરફ કૂચ કરી હતી અને તમામ માર્ગોને અવરોધ્યા હતા. બીજી તરફ ખેડૂતોએ સરકારના આશ્વાસન સાથે સહમતીદર્શાવી ન હતી જેમાં કહેવાયું હતું કે, મુખ્યમંત્રીઓની એક સમિતિ તેમની માગો પર વિચારણા કરશે. દિલ્હી-ઉત્તરપ્રદેશની સરહદે દેખાવકાર ખેડૂતોના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું કે, સરકાર ખેડૂતોની વાતને આગળ ધપાવવા માટે આશ્વાસન આપી રહી છે. તેમણે કહ્યું હતું કે, હું કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ તરફથી આશ્વાસન આપવા માગું છું કે, આ સમિતિમાં હું ખેડૂતોના હિતોની વાત મુકીશ અને મનરેગાને ખેતી સાથે જોડવા માટે જે ફેરફાર જરૂરી હશે તે કરવામાં આવશે. જોકે, દેખાવકાર ખેડૂતોએ દિલ્હીની સરહદ પર જ ધામા નાખ્યા છે. પોલીસે તેમને દિલ્હીની સરહદે જ રોકી લીધા હતા અને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશ કરવા દીધો ન હતો. ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું છે કે, ખેડૂતો સરકારના આશ્વાસનથી સંતુષ્ટ નથી. અમે સરકારની વાત અંગે વિચારણા કરીશું અને પછી આગળ વધીશું. હું એકલો કોઇ નિર્ણય લઇ શકતો નથી અમારી સમિતિ આ અંગે નિર્ણય લેશે.
આ પહેલા મંગળવારે ભારતીય કિસાન યુનિયનની આગેવાનીવાળી કૂચ ગાઝિયાબાદ પહોંચી હતી ત્યારે પોલીસ સાથે તેમનો સંઘર્ષ થયો હતો. યુપી-દિલ્હી બોર્ડર પર પોલીસે બેરિકેડ્‌સ ગોઠવીને ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. આ દરમિયાન પોલીસે તેમને અટકાવવા માટે ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. મંગળવાર બપોરે લગભગ ૧૨ વાગ્યે ગાજીપુર બોર્ડર પર સ્થિતિ સતત બગડતી જોવા મળી હતી. હજાર ખેડૂતોએ જ્યારે અહીં બેરિકેડિંગ તોડી દિલ્હીની તરફ જવાની કોશિશ કરી, તો પોલીસે બળ પ્રયોગ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસે વોટર કેનનથી પાણી છોડ્યા બાદ ખેડૂતો પર ટિયર ગેસના સેલ છોડ્યા હતા. આ ઘટના જોતજોતામાં તો અથડામણમાં ફેરવાઇ હતી. ખેડૂતોને રોકવા માટે પોલીસે ખેડૂતોના ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખી અને તેમાં પંચર કર્યું હતું. પોલીસે ખેડૂતોને અટકાવવા માટે સતત તેમના પર વોટર કેનથી પાણી છોડતી હતી. હરિદ્વારથી દિલ્હી આવી રહેલી ભારતીય કિસાન ક્રાંતિ યાત્રા સોમવારે સાહિબાબાદ પહોંચી હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં ખેડૂતોએ જીટી રોડને સંપૂર્ણ રીતે જામ કરી દીધો હતો. જીલ્લાધિકારી અને એસએસપીએ લગભગ એક કલાક સુધી ખેડૂતોને સમજાવવાના પ્રયત્ન કર્યા પરંતુ ખેડૂતો દિલ્હી જવાની જીદ કરતા રહ્યા. મોડી રાત્રે સંચાલન અને પોલીસ અધિકારીઓ સાથે ખેડૂતોના એક પ્રતિનિધિમંડળે દિલ્હીથી પરત ફરેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હિંડન એર ફોર્સ સ્ટેશન પર મુલાકાત કરી હતી.
ખેડૂતોના દેવામાફી અને વીજળીના બીલમાં ઘટાડો કરવાના મુદ્દાને લઇને ખેડૂત ક્રાંતિ પદયાત્રા ૨૩ સપ્ટેમ્બરના રોજ હરિદ્વારથી શરૂ થઇ હતી. જેના પછી પશ્ચિમી ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર અને મેરઠ જિલ્લાઓ પસાર થઇ ખેડૂતો સોમવાર (૧ ઑક્ટોબર)ના રોજ ગાઝિયાબાદ સુધી પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોને રોકવામાં આવ્યા હતા. સોમવારે સાંજે ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીસીપી પંકજસિંહે સમગ્ર પૂર્વ દિલ્હીમાં કલમ-૧૪૪ લાગુ પાડવાના આદેશ જારી કરી દીધા હતા. ખાસ વાત એ છે કે આ આદેશ આગામી ૮ ઓક્ટોબર સુધી લાગુ રહેશે. આ દરમિયાન લોકોને એકઠા થવા, ટ્રાફિકને ડિસ્ટર્બ કરવા, લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા, ભાષણબાજી કરવા, હથિયારોનો ઉપયોગ કરવા, લાકડી કે ચાકુ જેવી કોઈ વસ્તુ સાથે રાખવા, મશાલ સળગાવવા જેવી તમામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉલ્લંઘન કરનાર વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવાના આદેશ આપી દેવાયા છે. નોર્થ-ઈસ્ટ ડિસ્ટ્રિક્ટમાં પણ ચાર દિવસ સુધી કલમ-૧૪૪ લગાવી દેવામાં આવી છે.