(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
વિપક્ષના આકરા વિરોધને કારણે રાજ્યસભામાં સોમવારે ત્રણ તલાક બિલ પર ચર્ચા થઇ શકી ન હતી જેથી સંયુક્ત વિપક્ષી એકતાને કારણે ટ્રિપલ તલાક બિલ પસાર કરવાનો સરકારનો ઇરાદો નિષ્ફળ બન્યો હતો. કોંગ્રેસના નેતૃત્વમાં લગભગ સમગ્ર વિપક્ષે આને સંસદની પસંદગી સમિતી સમક્ષ મોકલવાની માગ પર અડગ રહ્યું હતું. સરકારે આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષ મુસ્લિમ મહિલાઓના અધિકાર સાથે જોડાયેલા આ ખરડાને જાણીજોઇને લટકાવવા માગે છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે, આ મુસ્લિમ મહિલાઓ સાથે જોડાયેલો મહત્વનો ખરડો છે અને તેને સિલેક્ટ કમિટીમાં મોકલવો જરૂરી છે. આમ સંસદની કાર્યવાહી ખોટકાતા હવે બિલ પર બુધવારે ચર્ચા થશે.
સોમવારે બંને પક્ષો પોત-પોતાના વલણને વળગી રહ્યા હતા જેના કારણે બિલ પર ચર્ચા થઇ શકી ન હતી. હોબાળાને કારણે કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી અને બપોર બાદ આખા દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. પહેલી વખત કાર્યવાહી સ્થગિત કરાયા બાદ બપોરે બે વાગે બેઠક શરૂ થતા જ મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સંરક્ષણ બિલ ૨૦૧૮ને ચર્ચામાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન એઆઇએડીએમકેના સભ્યો કાવેરી નદી અંગે બંધના નિર્માણનો વિરોધ કરીને વેલમાં આવી ગયા હતા. ઉપસભાપતિ હરવંશે હોબાળો કરી રહેલા સભ્યોને શાંત રહેવા અને પોતાના સ્થાનો પર પરત ફરવાની અપીલ કરતા કહ્યું કે, લોકસભા ચાલી રહી છે અને ત્યાં ચર્ચા થઇ રહી છે. પણ રાજ્યસભામાં કામ થતું નથી. આપણે આપણી ભૂમિકા વિશે દેશને શું સંદેશ આપવા માગીએ છીએ ? સદનની કાર્યવાહી શરૂ થતાની સાથે જ એઆઇએડીએમકેના સભ્યો દ્વારા જોરદાર નારેબાજી સાથે કાવેરીનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો અને તેઓ અમને ન્યાય આપોના સૂત્રો સાથે વેલમાં ધસી આવ્યા હતા. બપોર બાદ ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં ચર્ચા માટે રજૂ કરાતા રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, બિલની વધુ સમીક્ષા કરવાની જરૂર છે અને વિવિધપક્ષના અડધાથી વધુ સભ્યો તેને સંસદની સિલેક્ટ કમિટીને મોકલવા માટે માગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કરોડો લોકોના જીવનને સકારાત્મક કે નકારાત્મક રીતે અસર કરી શકે તેવા મહત્વના બિલને સંસદની પસંદગી સમિતીને મોકલ્યા પહેલા પસાર કરાઇ શકાય નહીં. તેમણે એનડીએ સરકાર પર એવો પણ આરોપ મુક્યો કે, કાયદો બનતા પહેલા વધુ સમીક્ષા માટે બિલોને પસંદગી સમિતીને મોકલવાની પરંપરાને આ સરકાર તોડી રહી છે. ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રાયને પણ આઝાદ સાથે સહમતી દર્શાવતા કહ્યું કે, તમામ વિપક્ષી પાર્ટીઓ આ બિલને સંસદની પસંદગી સમિતીને મોકલવાની માગ કરી રહી છે ત્યારે સરકાર કેમ તેમની માગ સાથે સહમત નથી થતી.

ટ્રિપલ તલાક બિલથી ઘણા લોકોના જીવનને અસર
થશે, પહેલા સિલેક્ટ કમિટીને મોકલો : કોંગ્રેસ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
રાજ્યસભામાં ત્રણ તલાક બિલ સંબંધિત ખરડાને કોંગ્રેસે સંયુક્ત સિલેક્ટ સમિતીને મોકલવાની માગ કરતા કહ્યું કે, આના કારણે ઘણા લોકોના જીવન પર અસર થશે. જોકે, સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, મહિલાઓના અધિકાર સાથે સંકળાયેલા ખરડાને વિપક્ષ જાણીજોઇને લટકાવી રહ્યો છે. હોબાળા વચ્ચે વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, આ એવો ખરડો છે જે ઘણા લોકોના જીવનને અસર કરશે. આ માટે જરૂરી છે કે, આ ખરડાને સંયુક્ત સિલેક્ટ કમિટીમાં મોકલીને તેના પર લાંબી ચર્ચા કરવામાં આવે. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે, તે સંસદીય પરંપરાઓની અવગણના કરીને મોટાભાગના ખરડાઓ સ્થાયી અથવા સિલેક્ટ કમિટીમાં મોકલ્યા વિના જ સીધા સંસદમાં પસાર કરવા માગે છે. આઝાદે કહ્યું કે, આ મુસ્લિમ મહિલાઓના લગ્ન સાથે જોડાયેલો એક અતિ મહત્વનો ખરડો છે અને તેને સિલેક્ટ સમિતીમાં મોકલીને તેના પર ચર્ચા કરવી જરૂરી છે. બીજી તરફ સરકારમાંથી સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોયલે આરોપ લગાવ્યો હતો કે, મુસ્લિમ મહિલાઓના અધિકાર સાથે જોડાયેલા મામલાને લટકાવવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે લોકસભામાં આ બિલને પસાર થવા દીધો જ્યારે હવે રાજ્યસભામાં તેને પસાર થવા દેતી નથી. ઉલ્લેખનીય છે કે, સદનમાં કોઇ બિલ અંગે ઘર્ષણ પેદા થાય તો તમામ સાંસદોની એક સંયુક્ત સમિતી બને છે. આ સમિતીઓ તરફથી દર્શાવેલા પ્રસ્તાવો અંગે સામાન્ય સહમતી માનવામાં આવે છે.

ખરડો લાવીને ભાજપ અમારા ઘરોમાં ઘૂસણખોરી કરી રહ્યો છે : મહેબૂબા મુફ્તી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરતા કહ્યું કે ટ્રિપલ તલાક બિલ લાવીને તેઓ અમારા ઘરોમાં ઘૂસી રહ્યાં છે. તે અમારા કૌટુંબિક જીવનને પ્રભાવિત કરશે. એટલું જ નહીં આર્થિક રીતે પણ તેનાથી મહિલાઓ અને પુરુષો પ્રભાવિત થશે. પોતાના અંગત જીવનના અનુભવો જણાવતા મહેબુબા મુફ્તીએ કહ્યું કે મારા લગ્ન પણ વધુ ન ટક્યા અને મને મહેસૂસ થાય છે કે જો કોઈ મહિલાના લગ્ન તૂટે તો તેણે આર્થિક રીતે વધુ પડકારોનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે જ્યારે અમે મુસ્લિમ અનામતની વાત કરીએ છીએ તો ધાર્મિક આધાર પર ભાજપ તેને ફગાવી દે છે. પરંતુ જ્યારે આ પ્રકારના કાયદા (ટ્રિપલ તલાક બિલ)ની વાત સામે આવે છે તો તેઓ સંસદમાં બિલ રજુ કરે છે. તેમણે કહ્યું કે એક પણ મુસલમાન સાંસદ તેનું સમર્થન કરશે નહીં. આ મુદ્દે બોલતા મહેબુબા મુફ્તીએ કહ્યું કે બાબરી મસ્જિદ પર હજુ નિર્ણય આવ્યો નથી પરંતુ આમ છતાં તેઓ કહે છે કે મંદિર ત્યાં જ બનશે. તેમની પાસે જનમત નથી. સરકાર ટ્રિપલ તલાક બિલ લાવીને ખોટુ કરી રહીછે. શહેરો અને દ્વિપોના નામ બદલાઈ રહ્યાં છે. આ કોઈ સેવા નથી. આ ન તો દેશ સેવા છે અને ન તો હિંદુઓની સેવા છે. અમે ગાંધીના દેશ ભારતને જીયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી.

ટ્રિપલ તલાક બિલ માટે રાજ્યસભાનો માર્ગ
સરળ નથી, વિપક્ષી એકતાનું ગણિત જાણો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
રાજ્યસભામાં સોમવારે ત્રણ તલાક સંબંધિત ખરડા પર ચર્ચા થઇ શકી ન હતી. કોંગ્રેસના નેતૃત્વમાં સમગ્ર વિપક્ષે બિલને સિલેક્ટ સમિતીને મોકલવાની માગણી કરી હતી. જોકે લોકસભામાં જે રીતે આ બિલ સરળતાથી પસાર થયું તે રીતે રાજ્યસભામાં બિલ પસાર નહીં થાય. રાજ્યસભામાં તેનો માર્ગ ઘણો મુશ્કેલ છે. મોદી સરકાર આ બિલને રાજ્યસભામાં પસાર કરાવવા માટે તલપાપડ છે જોકે, કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ એકતાનું પ્રદર્શન કરાવ્યું છે. રાજ્યસભામાં હાલ ભાજપ સૌથી મોટો પક્ષ છે પણ તેની પાસે બહુમતી નથી. રાજ્યસભામાં કુલ ૨૪૪ સાંસદો છે જેમાં ભાજપ પાસે ૭૩, તેના સહયોગીઓ જેડીયુના ૬, અકાલી દળ-શિવસેનાના ૩-૩, અન્ય નાના સહયોગી દળોના ૩, નામાંકિત અને સંભવિત સાથે આવનારા સાંસદોમાં ૯ છે આમ કુલ મળીને તેના સમર્થનમાં ૨૪૪માંથી કુલ ૯૮ સાંસદો આવી શકે છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ વધુ શક્તિશાળી દેખાય છે. જેમાં કોંગ્રેસના ૫૦, ટીએમસીના ૧૩, એઆઇએડીએમકેના ૧૩, સમાજવાદી પાર્ટીના ૧૩, ડાબેરીઓના ૭, ટીડીપીના ૬, ટીઆરએસના ૬, આરજેડીના ૫, બીએસપીના ૪, ડીએમકેના ૪, બીજેડીના ૯, આમઆદમી પાર્ટીના ૩ અને પીડીપીના ૨ સાંસદ મળીને કુલ ૧૩૫ સાંસદો વિપક્ષમાં છે જેથી ભાજપ અને સરકાર પાસે રાજ્યસભામાં બિલ પસાર કરવવા માટે પૂરતી બહુમતી દેખાતી નથી.