(એજન્સી) શ્રીનગર, તા. ૨૭
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે મંગળવારે મોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભા ભંગ કરવાના તેમના નિર્ણય પહેલા તેમના પર સજ્જાદ લોનને મુખ્યમંત્રી તરીકે નિમવા માટે કેન્દ્રની મોદી સરકારનું દબાણ હતું. મલિકે ૨૪મી નવેમ્બરે ગ્વાલિયરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે, જો તેઓએ દિલ્હી તરફ ધ્યાન આપ્યું હોત તો મારે સજ્જાદ લોનને મુખ્યમંત્રી તરીકે નિમણૂંક આપી દેવી પડી હોત અને હું હંમેશ માટે અપ્રામાણિક બની ગયો હોત. યુનિવર્સિટીના કાર્યક્રમને સંબોધિત કરતા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ભંગ કરવાના પોતાના નિર્ણયને યોગ્ય સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારના ઇશારે કામ કર્યું હોવાના આરોપોનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જો દિલ્હીના નિર્દેશો તરફ ધ્યાન આપ્યું હોત તો સજ્જાદ લોને સરકાર બનાવી દીધી હોત અને હું ઇતિહાસમાં અપ્રામાણિક વ્યક્તિ તરીકે છપાઇ ગયો હોત. તેથી મેં આ બાબતને પડતી મુકી. હવે દિલ્હીથી મારી હેરાનગતિ થઇ રહી છે પણ હું માનું છું કે, મેં જે કર્યું તે બરોબર હતું. તેમના આ નિવેદનની વીડિયો ક્લિપ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં વાયરલ થઇ રહી છે અને અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે.
કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સત્યપાલ મલિકે કહ્યું હતું કે, ‘મને ફરીવાર સ્પષ્ટતા કરવા દો, જો મેં દિલ્હીના ફરમાન અનુસાર કામ કર્યું હોત તો સજ્જાદ લોનને સરકાર રચવા આમત્રિત કર્યા હોત અને હું ઇતિહાસમાં અપ્રામાણિક વ્યક્તિ તરીકે સ્થાપિત થઇ ગયો હોત. તેથી મેં પહેલા આ બાબતને સમાપ્ત કરી અને પછી વિચાર્યું નહોતું કે, લોકો મારી ટીકા કરશે. જોકે હવે મલિક ગ્વાલિયરમાં આપેલા પોતાના નિવેદનથી ફરી ગયા છે પણ તેમના આ નિવેદનનો વીડિયો સમગ્ર દેશમાં વાયરલ થઇ રહ્યો છે. ૨૧મી નવેમ્બરે સત્યપાલ મલિકે કટ્ટર વિરોધી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની મદદથી પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ રાજ્યમાં સરકાર રચવાનો દાવો કર્યા બાદ વિધાનસભા ભંગ કરવાનો આદેશ આપી દીધો હતો. મલિકના આ બળવાથી મોદી સરકારને મોટો આંચકો લાગ્યો છે અને આ પહેલા પણ પોતાની જ સરકાર સામે આરબીઆઇ અને સીબીઆઇ જેવી ટોચની સંસ્થાઓ મોદી સરકાર સામે બળવો પોકારી ચુકી છે. ભારતીય રિઝર્વ બેંકે તાજેતરમાં જ પોતાની સ્વાયત્તતા પર મોદી સરકાર તરાપ મારતી હોવાનો આરોપ મુક્યો હતો અને ઉર્જિત પટેલ પોતાના પદેથી આ કારણે રાજીનામું આપી રહ્યા છે તેવા અહેવાલો પણ ફરતા થયા હતા. હાલમાં સુપ્રીમ કોર્ટમાં પણ દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઇમાં ચાલી રહેલા વિવાદની સુનાવણી ચાલી રહી છે જેમાં સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચેની આંતરિક દુશ્મનાવટ સામે આવી હતી. આ કેસમાં બંને અધિકારીઓ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો મુકી રહ્યા છે. મોદી સરકારે બંને અધિકારીઓને અડધી રાતે રજા પર મોકલી દીધા હતા અને તેમની સાથે અન્ય ઘણા અધિકારીઓની અચાનક બદલી કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપીને આપેલું સમર્થન પરત ખંચી લીધા બાદ અહીં રાજ્યપાલ શાસન લાગુ છે. રાજ્યપાલ શાસનની મર્યાદા પુરી થવાની હતી ત્યારે અહીં સરકાર બનાવવા માટે મથામણ ચાલી રહી હતી તે દરમિયાન જ પીડીપીએ કોંગ્રેસ અને એનસીનો ટેકો મેળવી સરકાર રચવાનો દાવો કર્યો હતો પરંતુ ભાજપે બે ધારાસભ્ય ધરાવતા સજ્જાદ લોનની પાર્ટીને ટેકો જાહેર કરતા તેમણે પણ સરકાર બનાવવાનો દાવો કર્યો. બે ગઠબંધનના દાવા બાદ રાજ્યપાલ સત્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લીધો હતો.

રામ મંદિર નિર્માણ મુદ્દે જમ્મુ-કાશ્મીરના ગવર્નરને VHPએ આવેદનપત્ર સોંપ્યું !!

જમ્મુ-કાશ્મીરના વિશ્વ હિંદુ પરિષદના પ્રતિનિધિમંડળે મંગળવારે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શહીદ કરાયેલી બાબરી મસ્જિદના સ્થાને રામ મંદિરના નિર્માણ માટે ભારત સરકાર દ્વારા કાયદો પસાર કરવાની માગ સાથેનું આવેદનપત્ર રાજ્યપાલ સત્યપાલ મલિકને સોંપ્યું હતું.
રાજભવનના એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે, મંગળવારે જમ્મુના રાજભવન ખાતે લીલાકરણ, બ્રિગ સચેતસિંહ, રાજેશ ગુપ્તા, દિનેશ ભારતી, હિરદયાનંદ, રામેશ્વર દાસ અને અન્યોને સામેલ કરતું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સત્યપાલ મલિકને મળ્યું હતું. નિવેદનમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના હિંદુઓ અને સંત સમાજ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.