(એજન્સી) તા.૨પ
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર ઉપર ઈમાનદાર અધિકારીઓની ઉપેક્ષા કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે એક વિશિષ્ટ પ્રક્રિયાના માધ્યમથી ઈમાનદાર અધિકારીઓને પ્રમોશનથી રોકવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તે માટે સ્વામીએ પીએમ મોદીને હસ્તક્ષેપ કરવાની માગણી પણ કરી છે. ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે ટિ્‌વટ કરીને લખ્યું હતું કે પીએમની નોકરશાહી ૩૬૦ ડિગ્રી પ્રોફાઈલિંગની ખરાબ પ્રક્રિયાથી ઈમાનદાર અધિકારીઓને પ્રમોશનથી દૂર કરી રહી છે. જોકે યોગ્યતા જ એકમાત્ર ક્રાઈટેરિયા હોવો જોઈએ. હું આ વિધ્વંસક પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે પીએમને પત્ર લખીશ. તેમના આ ટિ્‌વટ પર વિપુલ સક્સેના નામના એક પૂર્વ પાઈલટે ટેકો પણ આપ્યો અને કહ્યું કે ૩૬૦ ડિગ્રી પ્રોફાઈલિંગ હવે વૈશ્વિક સ્તરના ચલણથી બહાર થઈ ચૂક્યું છે. કારણ છે કે સ્કોર મેળવવાના તેના ટૂલ્સ પર સવાલ ઊભા થાય છે. તેના પર સુબ્રમણ્યન સ્વામીએ વિપુલને કહ્યું કે શું કોઈ આર્ટિકલ આ મુદ્દે છપાયો છે કે જેના પર વિપુલે ફોર્બ્સનો એક આર્ટિકલ શેર કર્યો જેમાં ૩૬૦ ડિગ્રી ફિડબેક પ્રોગ્રામના ફેલ થવા પાછળના સાત કારણ ગણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે મોદી સરકારે કેન્દ્રમાં અધિકારીઓની તૈનાતી અને પ્રમોશનમાં ૩૬૦ ડિગ્રી પરીક્ષણ ફોર્મ્યુલા લાગુ કરી છે. તે હેઠળ સરકારી સેવામાં આવ્યા બાદથી સંબંધિત અધિકારીના કાર્ય કરવાની શૈલી, નીચે કામ કરતાં લોકો સાથે વર્તન, નેતૃત્વ ક્ષમતા, ઈમાનદારી વગેરેનો એક સ્વતંત્ર સમિતિ પરીક્ષણ કરે છે. પછી આ સમિતિ કેબિનેટને રિપોર્ટ આપે છે. જેના આધારે અધિકારીઓની પોસ્ટિંગ અને પ્રમોશનનો નિર્ણય થાય છે. પરંતુ આ સિસ્ટમનો અંદરથી વિરોધ શરૂ થઈ ગયો છે. કેટલાક અધિકારીઓ મુજબ ૩૬૦ ડિગ્રી પરીક્ષણ વ્યવસ્થામાં કેટલાક ટૂલ્સના માધ્યમથી પોઈન્ટ અપાય છે. પરંતુ તેમાં પારદર્શકતા શંકાના ઘેરામાં રહે છે.