(એજન્સી) તા.૪
બોલીવુડ અભિનેતા પ્રકાશ રાજે ભાજપ અને સંઘ પરિવાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી વિરૂદ્ધ બોલવાના કારણે તેમને ફિલ્મો નથી મળતી. એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્યારે એમણે વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર ગૌરી લંકેશની નિર્દયી હત્યા વિશે વડાપ્રધાનના મૌન પર પ્રશ્નો ઉઠાવ્યા અને એમની ટીકા કરી ત્યારથી ફિલ્મ જગતે તેમની અવગણના શરૂ કરી દીધી છે. પ્રકાશ રાજે કહ્યું કે દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવી કોઈ સમસ્યા નથી પરંતુ હિન્દુ ફિલ્મ ઉદ્યોગ તરફથી તેમને કોઈ ઓફર મળી નથી. પ્રકાશ રાજે કહ્યું હતું કે, તે આ બાબતે ચિંતિત નથી કારણ કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા છે. ઉલ્લેખનીય છે કે, કન્નડ પત્રકાર ગૌરી લંકેશની હત્યા પછી પ્રકાશ રાજ સતત મોદી સરકાર પર પ્રહાર કરે છે. પ્રકાશ રાજે કહ્યું હતું કે ગૌરીના મૃત્યુએ મને ઘણો પરેશાન કર્યો હતો કારણ કે તે પ્રશ્ન પૂછી રહી હતી. જ્યારે એમને ચૂપ કરી દેવામાં આવ્યા ત્યારે મેં પોતાની જાતને દોષિત અનુભવી અને મને લાગ્યું કે, શું આપણે એના સંઘર્ષમાં એને એકલી છોડી દીધી ? ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હિન્દત્વવાદી સંગઠનના સભ્યોએ ગૌરી લંકેશની ગોળી મારી હત્યા કરી દીધી હતી.