(એજન્સી) ભોપાલ, તા. ૨૦
વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી પ્રચારમાં ભોપાલમાંથી માલેગાંવ વિસ્ફોટની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મેદાનમાં ઉતારવાના ભાજપના નિર્ણયનો બચાવ કરતા કહ્યું છે કે, આ એવા તમામ લોકોને એક પ્રતિકાત્મક જવાબ છે તેમણે હિંદુઓની સભ્યતાને આતંકવાદી ગણાવી છે. ટાઇમ્સ નાઉને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ સમજૌતા એક્સપ્રેસના ચુકાદાનો હવાલો આપતા દાવો કર્યો કે, કોંગ્રેસે ૫૦૦૦ વર્ષ જુની સંસ્કૃતિને બદનામ કર્યું છે જે વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ કરે છે. કોંગ્રેસે તેમને આતંકવાદી કહ્યા. એ તમામને જવાબ આપવા માટે આ એક પ્રતીક છે અને કોંગ્રેસને મોંઘુ પડવાનું છે. ઉલ્લેખનીય છેે કે, સાધ્વી પ્રજ્ઞાએ એક દિવસ પહેલા જ મુંબઇ હુમલામાં આતંકવાદી સામે લડીને શહીદ થનારા એટીએસના પૂર્વ પ્રમુખ હેમંત કરકરે અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરતા કહ્યું હતું કે, તેઓ મારા શ્રાપથી માર્યા ગયા હતા. સાધ્વીના નિવેદનના એક દિવસ બાદ જ વડાપ્રધાન મોદીએ સાધ્વીનો બચાવ કર્યો છે.
૧૯૮૪ના શીખ રમખાણોને કોંગ્રેસ પર આગળ લઇ જવાનો હવાલો આપતા પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું હતું ત્યારે તેમના પુત્રએ કહ્યું હતું કે, જ્યારે એક મોટો વૃક્ષ પડે છે ત્યારે પૃથ્વી હલી જાય છે. ત્યારબાદ હજારો શીખ હતા જે નરસંહાર કરી રહ્યા હતા. શું આ આતંકવાદ નથી ? શું આ કેટલાક લોકો દ્વારા ફેલાવાયેલો આતંકવાદ ન હતો ? તેમ છતાં રાજીવ ગાંધીને પીએમ બનાવાયા અને તટસ્થ મીડિયાએ ક્યારેય એવો સવાલકર્યો ન હતો જેવા આજે તેઓ કરી રહ્યા છે. પીએમ મોદીએ કમલનાથ પર કટાક્ષ કરતા કહ્યું કે, શીખ વિરોધી રમખાણોમાં નજરે જોનારા સાક્ષીઓની ઓળખ કરનારા ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી બનાવાયા જેમાંથી એકને તાજેતરમાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવાયા છે. કોંગ્રેસ નેતા કમલનાથની પુછપરછ કરાઇ અને બાદમાં ઘટનામાં પુરાવાની કમીને કારણે નાણાવટી પંચ દ્વારા તમામ આરોપોને રદ કરવામાં આવ્યા. શીખ વિરોધી રમખાણોમાં ૨૭૩૩ લોકો માર્યા ગયા હતા અને તેમાં ૫૪૧ ફરિયાદો નોંધવામાં આવી હતી. મોદીએ કહ્યું કે, શું અમેઠી અને રાયબરેલીના ઉમેદવારોને જામીન પર છોડી દેવામાં આવવા જોઇએ ? પણ જ્યારે ભાજપનો એક ઉમેદવાર જામીન પર બહાર છે અને ભોપાલમાંથી ચૂંટણી લડે ત્યારે તો રોદણા રોવામાં આવે છે. એક મહિલા, એક સાધ્વીને આ રીતે હેરાન કરવામાં આવી, કોઇએ આંગળી ના ઉઠાવી, મોદીએ નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી અંગે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની રીતોને મેં સમજી છે. તેઓ પહેલા ફિલ્મની જેમ એક સ્ક્રીપ્ટ લખે છે. તેઓ કોઇ વાતને પકડી લેશે અને તેનો ફેલાવો કરવાની ફિરાકમાં રહેશે તેઓ કહાનીમાં એક નાયક અને એક ખલનાયક પણ જોડશે. દરેક એન્કાઉન્ટરને કોંગ્રેસે આ રીતે લખ્યું છે. મોદીએ જજ બીએચ લોયાના મોત અંગે પણ હોબાળો કર્યો જેના રિપોર્ટ અનુસાર ૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ નાગપુરમાં તેઓનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. વડાપ્રધાને કહ્યું કે, જજ લોયા એક સ્વાભાવિક મોતની જેમ મૃત્યુ પામ્યા પણ કોંગ્રેસ દ્વારા અપનાવાયેલી મોડેસ ઓપરેન્ડી એક કથા બનાવવા માટે ઉપયોગમાં લેવાઇ કે તેઓ માર્યા ગયા હતા. ઇવીએમ અને નોટબંધીની આસપાસ વીડિયોના ઉપયોગ દ્વારા એક જુઠ્ઠી કહાની બનાવવા માટે એક જ રીતનું સંચાલન કરવામાં આવ્યું આ જ તેમની રીત છે.

શું હવે પણ સ્મૃતિ ઈરાનીની વિરૂદ્ધ “ક્યોંકી મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી” ગીત ગાશે પ્રિયંકા ચતુર્વેદી ?

(એજન્સી) તા.૨૦
કોંગ્રેસના હાઈ પ્રોફાઈલ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે પાર્ટીમાંથી રાજીનામું આપી શિવસેનામાં સામેલ થયા છે. શિવસેનામાં સામેલ થતાં જ પ્રિયંકા ચતુર્વેદીએ સૌપ્રથમ એક એવા પ્રશ્નનો સામનો કર્યો, જે દરેક વ્યક્તિ પૂછવા ઈચ્છતી હતી, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અંગે તેમણે જે ગીત બનાવ્યું હતું, તે અત્યારે પણ ગાશે. કારણ કે, હવે તેઓ તેમની સહયોગી થઈ ગઈ છે, તો તેના પર પ્રિયંકા ચતુર્વેદીએ જવાબ આપ્યો કે, “હા, હું ગાતી રહીશ.” જણાવી દઈએ કે, અઠવાડિયા પહેલાં પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક લાયકાત અને ડિગ્રીમાં વિષમતા અંગે કોંગ્રેસ તરફથી હુમલો કર્યો હતો અને સ્મૃતિ ઈરાની સ્ટારર ટીવી સીરિયલના પ્રસિદ્ધ ગીત, ક્યોકીં સાસ ભી કભી બહુ થી”નું રિમીક્સ કર્યું હતું અને તેને ગાઈને કેન્દ્રીય મંત્રી પર હુમલો કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, એક નવું ધારાવાહિક આવી રહ્યું છે. “ક્યોંકી મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી” પ્રિયંકા ચતુર્વેદીએ આ ગીતને ગાઈ સંભળાવ્યું હતું. જેના બોલ હતા. “ક્વોલિફિકેશન કે ભી રૂપ બદલતે હે, નએ નએ સાંચે મે ઢલતે હે, એક ડિગ્રી આતી હે, એક ડિગ્રી જાતી હે, બનતે એફિડેવિટ નએ હે.” પ્રિયંકા ચતુર્વેદીનો આ વીડિયોક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. શિવસેનામાં સામેલ થયા પછી પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે, “જો તમે શિવસેનાને પણ જૂઓ છો, તો પાછલા પાંચ વર્ષમાં જો સરકારે કયારે પણ કંઈ ખોટું કર્યું, તો પાર્ટી કયારે પણ બોલવાથી ખચકાણી નથી અને ગીત હું ગાતી રહીશ.”

ભોપાલમાં જમીન ખસકતી જોઈ હિંદુત્વને મુદ્દો બનાવવાના
ઉદ્દેશથી ભાજપે પ્રજ્ઞાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં

(એજન્સી) ભોપાલ, તા.૨૦
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલને સાંપ્રદાયિક સદ્‌ભાવ અને ગંગા-જમનાની સંસ્કૃતિ માટે ઓળખવામાં આવે છે, પરંતુ ભાજપ માલેગાંવ આતંકી હુમલાની આરોપી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવીને અહીંના વાતાવરણમાં હિંદુત્વને ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો છે. ભોપાલ સંસદીય વિસ્તારથી લગભગ એક મહિના પહેલાં કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહને ઉમેદવાર જાહેર કરી દીધા હતા. દિગ્વિજયસિંહ ગત રપ દિવસોથી રાજધાનીના જુદા જુદા ભાગો અને વર્ગો સાથે ચર્ચા કરી રહ્યા છે અને પોતાની યોજનાઓ વિશે લોકોને બતાવી રહ્યા છે. દિગ્વિજયસિંહ સતત સાચવીને અને ચોક્કસ પગલાં ભરી રહ્યા છે. આ જ કારણ છે કે, તેમની તરફથી એક પણ વિવાદિત નિવેદન આવ્યું નથી, પરંતુ ભાજપે બુધવારે માલેગાંવ વિસ્ફોટની આરોપી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવીને રાજકીય વાતાવરણમાં પરિવર્તન લાવવાના સંકેત આપ્યા છે. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક શિવ અનુરાગ પટેરિયા જણાવે છે કે, “ભાજપ ધ્રુવીકરણ ઈચ્છે છે, તેના કારણે તેણે ભગવા વસ્ત્રધારી પ્રજ્ઞા ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ ખરેખર પ્રજ્ઞા ઠાકુર દ્વારા દેશમાં આ સંદેશ આપવા ઈચ્છે છે કે, દિગ્વિજયસિંહ લઘુમતી સમર્થક છે, કોંગ્રેસ હિંદુ વિરોધી છે. પ્રજ્ઞાને હિંદુત્વ પીડિત બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ભાજપ ભોપાલમાં આ ચૂંટણીને અન્ય મુદ્દાઓના સ્થાને ધ્રુવીકરણ કરીને લડવા ઈચ્છે છે.” ભોપાલ લોકસભા બેઠકના ઈતિહાસ પર નજર નાખવામાં આવે તો જાણવા મળે છે કે, ૧૯૮૪ પછીથી અહીં ભાજપનો કબજો છે. ભોપાલ સંસદીય વિસ્તારમાં અત્યાર સુધી થયેલી ૧૬ ચૂંટણીઓમાં કોંગ્રેસને છ વખત જીત મળી છે. ભોપાલમાં ૧ર મેંના દિવસે મતદાન થવાનું છે. ભોપાલ સંસદીય ક્ષેત્રમાં ૧૯ લાખ પ૦ હજાર મતદાતા છે. જેમાં ચાર લાખ મુસ્લિમ, ૩,પ૦,૦૦૦ બ્રાહ્મણ, ૪,પ૦,૦૦૦ પછાત વર્ગ, બે લાખ કાયસ્થ, ૧,રપ,૦૦૦ ક્ષત્રિય વર્ગથી છે. મતદાતાઓના આ જ ગણિતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે દિગ્વિજયસિંહને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ ભાજપ પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવી ધ્રુવિકરણનો દાવ રમ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આઠમાથી પાંચ અને કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી છે. ઉમેદવાર જાહેર થયા પછી પ્રજ્ઞાનું વર્તન બદલાવા લાગ્યું છે અને મતદાતાઓને ભાવનાત્મક રીતે આકર્ષવામાં જોડાયા છે. તેમણે કોંગ્રેસ પર હિંદુ વિરોધી હોવાનો આરોપ તો લગાવ્યો જ સાથે હિંદુત્વ આતંકવાદ અને ભગવા આતંકવાદનો ઉલ્લેખ કર્યો અને માલેગાંવ બોમ્બ વિસ્ફોટના આરોપી બનાવ્યા પછી પોલીસ દ્વારા કરવામાં આવેલા શોષણનું વિવરણ આપવાનુું શરૂ કરી દીધું. તેઓ લોકોની વચ્ચે ભાવુક પણ થઈ રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે, ભોપાલની ચૂંટણીમાં ધ્રુવીકરણની સંભાવનાને નકારી શકતી નથી. કોંગ્રેસનો દરેક સંભવ પ્રયાસ હશે કે, ધ્રુવીકરણને કોઈ પણ રીતે રોકવામાં આવે, પરંતુ ભાજપ પ્રજ્ઞાને કોંગ્રેસ દ્વારા હેરાન કરવામાં આવેલી મહિલા તરીકે રજૂ કરી રહી છે.

સાધ્વી પ્રજ્ઞાનો બચાવ કરનારા પીએમને
વિપક્ષે કહ્યું, હવે બાબુ બજરંગીને ટિકિટ આપો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
વડાપ્રધાન મોદીએ સાધ્વી પ્રજ્ઞા દ્વારા હેમંત કરકરે માટે આપેલા શરમજનક નિવેદનનું સમર્થન કરીને વિપક્ષો પર પ્રહાર કર્યા છે. જ્યારે પીએમ મોદીના ઇન્ટરવ્યૂ બાદ વિપક્ષી પાર્ટીઓએ જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે સાધ્વીને આરોપી બનાવવા માટે કોંગ્રેસ પર દોષનો ટોપલો નાખતા કહ્યું હતું કે, સાધુને આતંકવાદી ગણાવવાનું કોંગ્રેસના ભારે પડશે. ત્યારે વિપક્ષી પાર્ટીઓ વળતો પ્રહાર કર્યો હતો જેમાં સમાજવાદી પાર્ટીના ઘનશ્યા તિવારીએ ટાઇમ્સ નાઉ સાથે વાતચીતમાં કહ્યું કે હું વડાપ્રધાનને અપીલ કરીશ કે, તમે તમારી પાર્ટીની હવેની ટિકિટ બાબુ બજરંગી, આસારામ બાપુ, રામ રહીને આપો. આ ઉપરાંત તિહાર જેલમાં આવા લોકોની કમી નથી. આનાથી તમારો રાષ્ટ્રવાદ સમગ્ર દુનિયાને દેખાશે. સપા પ્રવક્તાએ કહ્યું કે, જો આજે ગોડસે જીવિત હોત તો તમે તેને પણ ટિકિટ આપી દીધી હોત. ઉલ્લેખનીય છે કે બાબુ બજરંગી ગુજરાત તોફાનોમાં મુખ્ય આરોપી છે જ્યારે આસારામ અને રામ રહીમ બળાત્કાર તથા હત્યાના આરોપોમાં જેલમાં કેદ છે.

હેમંત કરકરેના મોત અંગે શેખી માર્યા બાદ પ્રજ્ઞા ઠાકુર અને ભોપાલ ભાજપના પ્રમુખને ચૂંટણી પંચની નોટિસ

(એજન્સી) ભોપાલ, તા. ૨૦
ભોપાલના જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી સુદામ ખાડેએ શનિવારે ૨૬/૧૧ના મુંબઇ હુમલામાં એટીએસ પ્રમુખ હેમંત કરકરેના મોત અંગે શ્રાપ આપ્યાની શેખી મારનાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને ભાજપના રાજ્યના પ્રમુખ વિકાસ વીરણીને કારણદર્શક નોટિસ ફટકારી છે. કરકરે ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસ સાથે સંકળાયેલી ઠાકુર સામેના આરોપોની તપાસ કરી રહ્યા હતા જે હુમલામાં છ લોકો માર્યા ગયા હતા અને ૧૦૧ જેટલા લોકો ઘાયલ થયા હતા.સાધ્વીએ શુક્રવારે દાવો કર્યો હતો કે, મેં કરકરેને કહ્યું હતું કે, તેઓ નષ્ટ થઇ જશે અને સવા મહિનામાં જ તેઓ મરી ગયા. અધિકારી ખડેએ કહ્યું કે, ઠાકુરના નિવેદને ચૂંટણી પંચ દ્વારા ઘડવામાં આવેલા નિયમોનો ભંગ કર્યો છે. પંચનું આદર્શ આચાર સંહિતા કાયદો કહે છે કે, કોઇપણ ઉમેદવાર ધાર્મિક લાગણીઓ દુભાવનારા કોઇ પ્રકારની અપનામજનક ભાષાનો ઉપયોગ ના કરે. તેમણે એમ પણ કહ્યું કે, કોઇ જૂથ અથવા વ્યક્તિગત વિરૂદ્ધ પણ વાંધાજનક નિવેદન પણ આચાર સંહિતાનો ભંગ છે જે લાગણીઓ દુભાવી શકે છે અથવા કોમી સૌહાર્દ બગાડી શકે છે. પંચે એવું પણ કહ્યું કે, નેતાઓએ કોઇની અંગત જીવન પર ટીપ્પણી કરવી જોઇએ નહીં. ખડેએ સાધ્વી અને ભાજપના અધ્યક્ષને એક દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકીદ કરી છે સાથે જ કહ્યું છે કે, જો તેમ કરવામાં નહીં આવે તો આગળના પગલાં લેવાશે. ઉલ્લેખનીય છે કે આતંકવાદી આરોપોનો સામનો કરી રહેલી સાધ્વી યુએપીએ હેઠળના આરોપો અંતર્ગત હાલ જામીન પર મુક્ત છે. બોમ્બે હાઇકોર્ટે તેને આઠ વર્ષ ઉપરાંત જેલમાં રહેવા અને બ્રેસ્ટ કેન્સરથી પીડાતી હોવાને કારણે જામીન આપ્યા હતા.