(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૮
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જનતાદળ (એસ) પર ટિપ્પણી કરીને તેને ‘જનતા દળ (સંઘ પરિવાર)’ કહ્યું હતું. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ બંને નેતાઓ વચ્ચે કર્ણાટકની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થઇ હતી. બંને નેતાઓએ સાથે રહેવા અને સંયુક્ત હિતમાં કામ કરવા પર ભાર આપ્યો હતો. રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગોવડાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના ચૂંટણી પ્રચાર દરમિયાન દેવગોવડા માટે ઉપયોગ કરાયેલા શબ્દો માટે માફી પણ માગી છે. અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેવગોવડાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. દેવગોવડા ૧૯૯૬ની પહેલી જૂનથી ૧૯૯૭ની ૨૧મી એપ્રિલ સુધી વડાપ્રધાન રહ્યા હતા. આજે તેઓ ૮૫ વર્ષના થઇ ગયા છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને દેવગોવડાને ફોન પણ કર્યો હતો. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે આશરે ૧૦ મિનિટ સુધી વાતચીત થઇ હતી. અહેવાલો મુજબ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન દેવગોવડા પર અંગત પ્રહારો કરવા અને જેડીએસ પર નિશાન સાધવા માટે દેવગોવડા પાસે માફી પણ માગી છે. નોંધનીય છે કે, કર્ણાટકના મંડ્યામાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ જનતાદળ (એસ)ને ભાજપની બી ટીમ ગણાવી હતી.સૂત્રોએ જણાવ્યું કે રાહુલગાંધીએ દેવગોવડાના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું અને તેમની લાંબી વયની પ્રાર્થના કરી છે. રાહુલ ગાંધીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવા માટે પણ દેવગોવડાને સહયોગ આપવાની અપીલ કરી છે. નોંધનીય છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસ અને જેડીએસે સતત એક-બીજા સામે પ્રહારો કર્યા હતા. વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં ત્રિશકું વિધાનસભાની સ્થિતિ સર્જાયા બાદ ૭૮ સીટ જીતનાર કોંગ્રેસ અને ૩૮ સીટ જીતનાર જેડીએસે ગઠબંધન કર્યું છે. હવે બંને પક્ષો સાથે મળીને કર્ણાટકમાં ગઠબંધન સરકાર બનાવવા માગે છે.