(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
દેશમાં બુલેટ ટ્રેન શરૂ કરવાની સરકાર દ્વારા કોશિશો ચાલુ છે ત્યારે પંજાબના અમૃતસરથી અયોધ્યા જઇ રહેલી સરયુ-યમુના ટ્રેનના એસી-૩ કોચમાં ૨૨મી ડિસેમ્બરે પ્રવાસ કરી રહેલાં પંજાબનાં ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપનાં નેતા લક્ષ્મીકાંતા ચાવલા ટ્રેનના ૧૦ કલાકના વિલંબથી દોડવાથી કંટાળી ગયા હતાં અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ રેલવે પ્રધાન પિયુષ ગોયલ સામે પોતાનો બળાપો કાઢ્યો હતો. લક્ષ્મીકાંતાએ પોતાના બળાપામાં વડાપ્રધાન અને રેલવે પ્રધાનને વણમાગી સલાહ આપતા કહ્યું કે ભગવાન ખાતર બુલેટ ટ્રેન ભુલી જાવ અને હાલમાં દેશમાં દોડી રહેલી ટ્રેન પર ધ્યાન આપો. ભાજપનાં નેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. વાયરલ વીડિયોમાં લક્ષ્મીકાંતાએ ટ્રેન ૧૦ કલાક વિલંબથી દોડવાને કારણે તેમણે ભોગવેલી પીડા વિશે પોતાનો રોષ ઠાલવ્યો છે અને ટ્રેન મુસાફરી દરમિયાન યાત્રીઓને ભોગવવી પડતી હાલાકી તરફ વડાપ્રધાન અને રેલવે પ્રધાનનું ધ્યાન દોર્યું છે.
વાયરલ થયેલા વીડિયોમાં ભાજપનાં નેતા લક્ષ્મીકાંતાએ ટ્રેનોની કથળેલી સ્થિતિ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ભારતીય રેલવેના કથળી રહેલા માનકો અને યાત્રીઓને ભોગવવી પડતી મુશ્કેલીઓ અને પીડાઓ બદલ આકરી ટીકા કરી છે. વીડિયોમાં તેમણે ક્હયું કે વડાપ્રધાન અને રેલવે પ્રધાન બુલેટ ટ્રેનનું તેમનું વળગણ છોડીને ટ્રેનોની વર્તમાન સ્થિતિ સુધારવા માટે સાથે મળીને વિચારે તો તેઓ બહેતર કરી શકે છે. તેમણે એવું પણ કહ્યું કે સામાન્ય યાત્રીઓની પીડાઓ જોઇને તેમને ખરેખર દુઃખ થયું છે. ટ્રેન અને રેલવે સ્ટેશનોની પરિસ્થિતિ અંગે પોતાનો અણગમો અને નારાજગી વ્યક્ત કરતા ચાવલાએ જણાવ્યું કે ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે યાત્રીઓની એવી દયનીય સ્થિતિ છે કે તેઓ સુરક્ષા પણ અનુભવતા નથી. ટ્રેનો અને રેલવે સ્ટેશનોએ પાયાની આરોગ્ય સુવિધાઓ અને બાળકો માટે દૂધ પણ ઉપલબ્ધ નથી. પીવા લાયક પાણી અને ખાદ્ય વસ્તુઓની પણ કોઇ વ્યવસ્થા નથી. એટલું જ નહીં ટ્રેનોમાં ટોઇલેટ પણ ઉપયોગ કરવા લાયક નથી અને સીટ્‌સ પણ ફાટેલી છે. તેમણે રેલવેના હેલ્પલાઇન નંબર્સ ૧૩૮,૧૩૯ વગેરે અંગે પણ ફરિયાદ કરી છે. આ ટેલિફોન નંબર્સ પણ બંધ છે. પીયુષ ગોયલના ઇ-મેલ એકાઉન્ટ પર મોકલવામાં આવેલી ફરિયાદોના પણ કોઇ પરિણામ આવ્યા નથી. રેલવેની સ્થિતિ અંગે ચાવલાએ ‘અંધેર નગરી, ચૌપટ રાજા’ની કહેવાત પણ કહી હતી.