મુંબઇ, તા. ૩૦
શિવસેનાએ વડાપ્રધાન મોદી પર નિશાન તાકવાનું ચાલુ રાખ્યું છે. હવે ઉદ્ધવ ઠાકરેએ નોટબંધી દરમિયાન આપવામાં આવેલા એક નિવેદન અંગે કટાક્ષ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, મોદીજી તમે ક્યાં છો, લોકો તમારી ચાર રસ્તાઓ પર રાહ જોઇ રહ્યા છે. પોતાના મુખપત્ર સામનામાં ઠાકરેએ જણાવ્યંુ હતું કે, મોદીજીએ પોતે જ કહ્યું હતું કે, મારાથી જો કોઇ ભૂલ થઇ જાય તો જે ચાર રસ્તા પર કહેશો ત્યાં આવી જઇશ. સામનામાં કહેવાયું છે કે, નોટબંધી એક મોટી ભૂલ હતી. એવું ફક્ત અમે નહીં પરંતુ ભાજપના નેતા યશવંત સિંહા પણ કહી રહ્યા છે. ઉદ્ધવે કહ્યું કે, નોટબંધીએ દેશની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે. હવે સરકારે પોતાની ભૂલ કબૂલી લેવી જોઇએ.હવે મોદીજી ચાર રસ્તાઓ પર લોકો તમારી રાહ જોઇ રહ્યા છે, તમે ક્યાં છો ?

 

લોકોના હિતને ધ્યાનમાં રાખી
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે
ગઠબંધન ચાલુ રાખીશું : શિવસેના
મુંબઇ, તા. ૩૦
ઇંધણોના ભાવવધારા જેવા મુદ્દાઓ અંગે છેલ્લા કેટલાક દિવસોથી સાથી ગઠબંધન ભાજપ પર આકરા પ્રહાર કરનારા શિવસેનાએ જાહેરાત કરી છે કે, તેઓ રાજ્યના લોકોના હિતને ધ્યાનમાં રાખી હાલ ગઠબંધન તોડશે નહીં. મહારાષ્ટ્રમાં બંને પક્ષના ગઠબંધન અંગે વહેલી તકે નિર્ણય કરવાના શિવસેના સાંસદ સંજય રાઉતના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં ગઠબંધન તૂટવાની અટકળો શરૂ થઇ ગઇ હતી. જોકે, શિવસેનાના મુખપત્ર સામનામાં જાહેરાત કરાઇ હતી કે, વિધાનસભા ચૂંટણી બે વર્ષ બાદ છે ત્યારે પાર્ટી ગઠબંધન તોડવા માગતી નથી અને લોકોના હિતોને જાળવી રાખવા માટે સત્તામાં જળવાઇ રહેશે. દેવેન્દ્ર ફડનવીસ સરકારમાં શિવસેનાના ૧૨ મંત્રીઓ છે જેમાં પાંચ કેબીનેચ રેન્કના છે. એનડીએ સરકારના મંત્રાલયમાં પણ પાર્ટીના એક મંત્રી છે. શિવસેનાએ આ સાથે જ કેન્દ્ર સરકાર પર એલ્ફિન્સ્ટન રોડ ઘટના અંગે જવાબદાર ઠેરવતા આરોપ લગાવ્યો હતો કે, તેમની ભૂલોને કારણએ દુર્ઘટના સર્જાઇ હતી અને ૨૩ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. અમદાવાદ અને મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સવાલો ઊભા કરતા પાર્ટીએ કહ્યું કે, જ્યારે રેલવેની માળખાકીય સુવિધાઓ જ યોગ્ય નથી ત્યારે બુલેટ ટ્રેનની શું જરૂર છે.