(એજન્સી) તા.૨૮
ભાજપ શાસિત એનડીએ સરકાર હવે તેના પાંચમાં અને આખરી વર્ષમાં પ્રવેશી રહી છે. હવે જ્યારે સરકારની સમયાવધિ એકાદ વર્ષમાં સમાપ્ત થવા જઇ રહી છે ત્યારે એવો દાવો કર્યો છે કે નવી શિક્ષણ નીતિની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. વાસ્તવમાં આવો દાવો આપણે છેલ્લા ત્રણ વર્ષથી સાંભળતા આવ્યા છીએ.
ત્રણ વર્ષ પૂર્વે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જાહેરાત કરી હતી કે નવી શિક્ષણ નીતિનો મુસ્સદો તૈયાર કરવા માટે પૂર્વ કેબિનેટ સચિવ ટીએસઆર સુબ્રમણ્યમના અધ્યક્ષ સ્થાને સમિતિ રચવામાં આવી છે. ૧૮ મહિના સુધી મહેનત કર્યા બાદ સમિતિએ તેનો અહેવાલ સુપરત કર્યો હતો પરંતુ વારંવાર સુબ્રમણ્યમ દ્વારા વિનંતી કરવા છતાં તત્કાલીન એચઆરડી પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આ અહેવાલ જાહેર કરવાનો માત્ર ઇન્કાર જ કર્યો ન હતો પરંતુ સમિતિના ચેરમેનને અપમાનિત પણ કર્યા હતા.
આમ ભારે પ્રચાર સાથે રચવામાં આવેલ મહત્વની સમિતિ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું. ત્યારબાદ સમિતિએ અંતરીક્ષ વિજ્ઞાની કે કસ્તુરી રાગનના વડપણ હેઠળ બીજી સમિતિ નિમતા એક વર્ષ લીધું હતું. હવે એવું સાંભળવા મળે છે કે આ સમિતિએ તેની કામગીરી પૂર્ણ કરી છે અને ટૂંક સમયમાં પોતાનો અહેવાલ સુપરત કરશે. દરમિયાન યુનિવર્સિટી અને શાળાનું તંત્ર સંપૂર્ણપણે બરબાદ થઇ ગયું છે.
એટલું જ નહીં શાળાના શિક્ષણ પર બજેટ ફાળવણીમાં જંગી કાપ મૂકીને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટને પણ કમજોર કરવામાં આવ્યો હતો. એનસીઇઆરટીએ પણ બજેટ કાપને કારણે પોતાની ચમક ગુમાવી દીધી હતી.પાઠ્યપુસ્તકોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા હતા. આ માટે જુદા જુદા પાઠ્યપુસ્તક સમિતિના સલાહકારો કે નિષ્ણાતો સાથે કોઇ પરામર્શ કરવામાં આવ્યો ન હતો. એ જ રીતે યુજીસીની પણ પ્રતિષ્ઠાનું ખવાણ થયું હતું.
આમ ઉચ્ચત્તર શિક્ષણ ક્ષેત્રે મોદી સરકારની મોટી સિદ્ધિ કઇ છે ? આ પ્રશ્નનો જવાબ આપવો હોય તો એવું કહી શકાય કે ૨૦૭ ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવા સિવાય સરકાર પાસે બતાવવા જેવી કોઇ સિદ્ધિ નથી. તમને શિક્ષણ ક્ષેત્રમાં શૌર્ય, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રભક્તિ જેવા શબ્દો સંભળાશે પરંતુ જ્ઞાન શબ્દ ક્યાંય સાંભળવા નહીં મળે. જો કે જ્ઞાન એ મોદી સરકારનો ઉદ્દેશ્ય કયારેય રહ્યો નથી. વાઇસ ચાન્સેલરો અને શૈક્ષણિક સંસ્થાના વડાઓ જાણે સંઘ પ્રચારકો બની ગયા હોય એવો માહોલ છે.