અમદાવાદ, તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવેલા છે. ત્યારે તેમના પ્રવચનોમાં ચૂંટણી પ્રચારની શરૂઆત દેખાઈ રહી છે જો કે ચોટીલા નજીક એક ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચેલા વડાપ્રધાને એક સભાને સંબોધી હતી. આ વેળાએ જ્યારે વડાપ્રધાન મોદીનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે અનેક લોકો ભાષણ સાંભળવાનું છોડી સભામાંથી ઘર તરફ ચાલી નીકળ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર આંદોલન સહિતના અનેક મુદ્દે ભીંસમાં આવેલી ભાજપ સરકારને પ્રથમવાર આકરા ચઢાણનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચોટીલા ખાતેની સભામાં જ્યારે મોદી વિકાસ અંગે ભાષણ આપી રહ્યા હતા ત્યારે લોકો સભા છોડી જવા લાગ્યા હતા જે ભાજપા માટે ચિંતાજનક બાબત ગણાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમિત શાહની સભામાં પાટીદારોએ હંગામો મચાવ્યો હતો અને નીતિન પટેલ પણ પાટીદારોના હોબાળાનો ભોગ બન્યા હતા તે જોતાં ભાજપ માટે આ વિધાનસભાની ચૂંટણીમાં વિરોધ લહેર જોવા મળી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.