(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
ગૃહમંત્રાલય તરફથી એક આરટીઆઈના જવાબમાં ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે. આતંકવાદને લઈ મોટા-મોટા વાયદાઓ કરનારી કેન્દ્ર સરકારને આ વાતથી જોરદાર ઝાટકો લાગી શકે છે. એ આરટીઆઈના જવાબમાં ગૃહમંત્રાલયે ખુલાસો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ૮૧ર આતંકી ઘટનાઓ થઈ છે જ્યારે મનમોહનસિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારના છેલ્લા ત્રણ વર્ષના કાર્યાલય દરમિયાન કુલ ૭૦પ આતંકી ઘટનાઓ થઈ છે. આ ઉપરાંત આરટીઆઈના જવાબમાં એ વાત પણ સામે આવી છે કે આ ૮૧ર ઘટનાઓમાં આશરે ૧૮૩ ભારતીય જવાન શહીદ થયા છે તો ૬ર નાગરિકોના મોત થયા છે જ્યારે મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન ૧૦પ જવાન શહીદ થયા અને પ૯ નાગરિકોના મોત થયા છે. નોઈડામાં રહેનાર આરટીઆઈ કાર્યકર્તા રંજન તોમરે ગૃહમંત્રાલયથી આતંકી ઘટનાઓ પર સવાલ કર્યો હતો. તોમરે મંત્રાલયથી ચાર સવાલો પૂછયા હતા. તોમરે પૂછયું કે મોદી સરકારના હમણા સુધી ત્રણ વર્ષના કાર્યકાળમાં કેટલીવાર આતંકી ઘટના બની ? મનમોહનસિંહની સરકારના છેલ્લા ત્રણના કાર્યકાળમાં કેટલી ઘટનાઓ બની ? બન્ને સમયમાં કેટલા નાગરિકોના મોત થયા ? અને કેટલા જવાન શહીદ થયા ? રંજન તોમરનો ત્રીજા અને ચોથો સવાલ એ હતો કે આ આતંકી ગતિવિધિઓને રોકવા માટે મોદી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળમાં ગૃહમંત્રાલયે કેટલી ધનરાશિ જાહેર કરી હતી અને મનમોહનસિંહના છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી ધનરાશિ આપવામાં આવી હતી. આ સવાલના જવાબમાં બતાવવામાં આવ્યું કે, મોદી સરકારના કાર્યકાળમાં ૧૮૯૦ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા ત્યાં જ મનમોહનસિંહના કાર્યકાળમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આતંકી ગતિવિધિઓને રોકવા માટે ૮પ૦ કરોડ ધનરાશિ આપવામાં આવી હતી.