(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
કોંગ્રેસે બુધવારે એક મીડિયા રિપોર્ટને ટાંકતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન સત્તાવાર રીતે મોદી સાથે સંકળાયેલું છે અને મોદીને મત આપવો એટલે તેનો અર્થ એ થયો કે પાકિસ્તાનને મત આપવો. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા અપાયેલાનિવેદન મુદ્દે મોદી પર આકરા પ્રહાર કર્યા હતા જેમાં ઇમરાન દ્વારા કહેવાયું હતું કે, જો ભારતની સામાન્ય ચૂંટણીઓમાં મોદીની પાર્ટી જીતશે તો ભારત સાથે શાંતિ મંત્રણા અને કાશ્મીર મુદ્દાને ઉકેલવાની ઉજળી તકો છે તેવું મારૂ માનવું છે. ઇમરાન ખાને કહ્યું કે, કાશ્મીર મુદ્દાને ઉકેલવાના કેસમાં અન્ય પાર્ટીઓ જમણેરી પાંખોથી ભયભીત રહેશે. સુરજેવાલાએ ટિ્‌વટ કર્યું કે, પાકિસ્તાન સત્તાવાર રીતે મોદી સાથે સંકળાયેલું છે. જો મોદીને મત મળશે તેનો અર્થ એ થયો કે પાકિસ્તાનને મત મળશે. તેમણે હિંદીમાં ટિ્‌વટ કરતા કહ્યું કે, મોદીજી, પહેલા નવાઝ શરીફ સાથે પ્રેમ હતો અને ઇમરાન ખાન તમારો પ્રિય મિત્ર છે. સત્ય હવે બહાર આવી ગયું છે.