(એજન્સી) નવી દિલ્હી,તા.ર૮
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે કેન્દ્રમાં ચાર વર્ષ પૂરા કર્યા હતા. ભાજપ સરકારના ચાર વર્ષ પૂરા થવા પ્રસંગે કેન્દ્રના કામની સમીક્ષા કરવામાં આવી હતી. એક અગ્રણી મીડિયા હાઉસના પત્રકાર દ્વારા મોદી સરકારની કામગીરી પર એક અહેવાલ રજૂ કરાયો હતો. જેમાં તેમણે મોદી સરકારની બે મોટી ભૂલો પર પ્રકાશ પાડ્યો હતો. અહેવાલમાં જણાવાયું હતું કે, મોદી કોંગ્રેસના સૂટબૂટની ટ્રેપમાં ફસાઈ ગયા હતા. જેથી મોદીએ દેશને નવી આર્થિક દિશાઓ આપવાના બદલે કોંગ્રેસની સામાજિક જાળમાં અટવાઈ રહ્યા અને ગરીબો તથા ગરીબીની સમસ્યા સામે કંઈ કરી શક્યા નહીં. શું તેઓને યાદ છે કે, ચાર વર્ષ અગાઉ તેમણે સમૃદ્ધિ અને ગરીબી નાબૂદી માટે વચન આપ્યું હતું. શું તેમને યાદ છે કે, ભારત વિશ્વ ફલક પર ચમકવાના બદલે મંથરગતિએ આગળ વધી રહ્યું છે. મોદીની અને બાબા રામદેવની બ્લેક મનીની વાત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના દિવસોની યાદ અપાવે છે. જ્યારે બિઝનેસમેનને ગુનેગારો તરીકે જોવાતા હતા. આ તે સમય હતો જ્યારે ઉદ્યોગ સાહસિકોના સ્વપ્નો રગદોળી નાખવામાં આવતા હતા અને તે સમયે માત્ર એક જ સરકારી નોકરીનું સ્વપ્ન બાકી બચ્યું હતું.
અહેવાલમાં જણાવાયું હતું કે, મોદીની બીજી સૌથી મોટી ભૂલ, હિન્દુત્વ અને ગાયના નામે મુસ્લિમોની હત્યા સામે આંખ આડા કાન કરવાની. ગૌમાંસના નામે ટોળા દ્વારા મુસ્લિમોની હત્યાની ઘટના સમયે મોદી મૌન ધારણ કરી લેતા હતા. જાણે એવું લાગતું હતું કે આ હુમલાખોરોને મુસ્લિમોની હત્યા માટે લાયસન્સ આપી દેવાયું હતું. તેઓ માત્ર બે જ વખત હિન્દુત્વના ઠેકેદારો સામે બોલ્યા હતા અને આ બંને વખત પણ ત્યારે શક્ય બન્યું જ્યારે પીડિતો દલિત હતા. દલિતો પર હુમલાના કારણે મોદીએ આવા તત્વોને ઠપકો આપ્યો હતો જેથી હવે મુસ્લિમોમાં એવી ધારણા સ્પષ્ટ બની છે કે, મોદી સરકાર હિન્દુ રાષ્ટ્રની હિમાયતી છે અને મુસ્લિમ વિરોધી છે. મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક બનાવવા પ્રયાસો થઈ રહ્યા છે. ત્રણ વર્ષ અગાઉ જ્યારે ગૌમાંસના નામે મુસ્લિમની હત્યાની પ્રથમ ઘટના બની ત્યારે મોદીએ એ વાતની ખાતરી કરવાની હતી કે, બીજી વખત આવી ઘટના ન બને અને સૌથી આઘાતજનક બાબત એ છે કે આવા કાયર હુમલાખોરો દ્વારા પોતાના હિચકારા કૃત્યનો વીડિયો બનાવવામાં આવે છે છતાં તેમની સામે યોગ્ય કાનૂની કાર્યવાહી થતી નથી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે હવે ભારતમાં રમખાણોના બદલે હેટક્રાઈમમાં વધારો થયો છે. દેશમાં મુસ્લિમો સામે હેટ ક્રાઈમમાં વધારો થયો છે. ભારતમાં હવે બિઝનેસ કરતા હિંસા આચરવાનો ધંધો સરળ બની ગયો છે. જો કે બીજી તરફ દેશમાં ખાનગી રોકાણમાં વધારો થયો છે. રોકાણકારો નવી-નવી યોજના લાવી રહ્યા છે. નોકરીઓની નવી તકો સર્જાઈ રહી છે ત્યારે જાતિ અને ધર્મ આધારિત હિંસાને નાબૂદ કરી ભારતના અર્થતંત્રને એક નવા શિખરે પહોંચાડવાની જરૂર છે.