(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટનેસ ચેલેન્જ વીડિયોને વિચિત્ર ગણાવ્યો છે જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આ બાબતે મૌન ધારણ કર્યું હતું, તેમણે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરી ન હતી. રાહુલ ગાંધીની ઇફ્તાર પાર્ટીના હાઇ ટેબલ પર કોંગ્રેસ પ્રમુખ સાથે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની વાતચી ભારે આકર્ષણનું કેન્દ્ર રહી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ ૧૩મી જૂને બુધવારે નવી દિલ્હીની તાજ પેલેસ હોટલમાં પ્રથમ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઇફ્તાર પાર્ટીમાં કોંગ્રેસ અને વિપક્ષના ઘણા નેતા આવ્યા હતા. યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી વિદેશમાં સારવાર લઇ રહ્યાં હોવાથી તેઓ આ ઇફ્તાર પાર્ટીમાં ઉપસ્થિત રહ્યાં ન હતાં. એક-બે દિવસમાં સોનિયા ગાંધી ભારત પરત આવી જશે. વિપક્ષની એકતા વિશે પૂછવામાં આવતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દિનેશ ત્રિવેદીએ જણાવ્યું કે જ્યારે લોકો સંગઠિત થાય છે ત્યારે વિપક્ષ પર રાજકીય પક્ષોને સંગઠિત કરવાનું દબાણ પણ વધી જાય છે, તેથી લોકોની એકતા છે. ઇફ્તાર પાર્ટીમાં ટીએમસીના દિનેશ ત્રિવેદી, ડીએમકેનાં કનિમોઝી અને અન્ય નેતાઓ સહિત વિપક્ષના ઘણા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, નેશનલ કોન્ફરન્સનો કોઇ પણ સભ્ય પાર્ટીમાં આવ્યો ન હતો.