(એજન્સી) તા.૭
સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશે સંઘ પરિવાર પર સાંપ્રદાયકીય ઘૃણા ફેલાવવાનો આરોપ મૂક્યો અને આ બુરાઈનો સામનો કરવા માટે લોકોને એકજૂથ બનવા આહ્‌વાન કર્યુ હતું. અગ્નિવેશે તિરુવનંતપુરમમાં આયોજિત એક સેમિનારને સંબોધતાં કહ્યું હતું કે લોકોને કહેવું જોઈએ કે તે સંઘ પરિવાર તરફથી ફેલાવાતા સંક્ષિપ્ત હિન્દુત્વમાં ના ફસાય. અગ્નિવેશ પર ગત મહિને ઝારખંડમાં કથિતરૂપે ભાજપ સાથે જોડાયેલા એક સંગઠનના કાર્યકરોએ હુમલો કરી દીધો હતો. તેમણે કહ્યું કે આ સમય સાંપ્રદાયિક તાકાતો સામે લડવાનો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં દાવો કર્યો હતો કે તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મળીને પાર્ટી તથા આરએસએસ પર કબજો કરી લીધો છે. મોદી તો હિટલર છે. તેમણે ઝારખંડના પાકુડમાં થયેલા હુમલાને યાદ કરતાં કહ્યું કે હું ભગવાનની કૃપાથી બચી ગયો. ભીડે મારી હત્યા જ કરી દીધી હોત. મેં વિચાર્યુ કે આજ તો ગયો. સેમિનારમાં કોંગ્રેસ સાંસદ શશી થરૂર પણ હાજર હતા. જેમણે ભાજપાની સરકાર પર નિશાન સાધતાં દાવો કર્યો હતો કે સાંપ્રદાયિક હિંસા, ગૌરક્ષાના નામે હત્યા ગત ચાર વર્ષોમાં વધી ગઈ છે. શશી થરૂરે કહ્યું હતું કે ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા ચાર વર્ષોમાં દેશમાં લગભગ ૨૯૨૦ જેટલી કોમી હિંસાની ઘટનાઓ બની હતી. જેમાં લગભગ ૩૮૯ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને અસંખ્ય ઘવાયા પણ હતા. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ વધી જવા છતાં ક્યારેય મોદીજી જાહેરમાં આવી ઘટનાઓની ટીકા કરતાં દેખાયા નથી. તમને જણાવી દઇએ કે આ સેમિનારનું આયોજન રાજીવ ગાંધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ દ્વારા કરવામાં આવ્યું હતું.