(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન મોદી દ્વારા ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરતા જવાહરલાલ નહેરૂ અંગેના જુઠ્ઠા નિવેદન એ વડાપ્રધાનની અસ્વસ્થ માનસિકતા બતાવે છે. કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્માએ મોદીની ઝાટકણી કાઢતા કહ્યું કે વડાપ્રધાન ભૂલી ગયા કે કોંગ્રેસે લાલ બહાદુર શાસ્ત્રી અને ડો.મનમોહનસિંહ જેવા વડાપ્રધાન આપ્યા છે. તેમણે ગાંધી પરિવારનો બચાવ કરતા કહ્યું કે આ પરિવારનો કોઈ સભ્ય છેલ્લા ૩ દાયકાથી સરકારનો ભાગ ન હતો.
તેમણે મોદીના એ દાવાને ફગાવી દીધો કે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ ગુજરાત માટે કંઈ જ કર્યું નથી. પરાજયનો સંકેત મળતા વડાપ્રધાન મોદી ખોટા આરોપો મૂકી રહ્યા છે. મોદીની અસ્વસ્થ માનસિકતા છતી થાય છે જે દેશની ઘોરખોદી રહી છે.