નવી દિલ્હી,તા.૨૬
રાફેલ લડાકુ વિમાન ડીલ પર આવેલા રાજકીય ભૂકંપની વચ્ચે ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહાએ વડા પ્રધાન મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યું હતું કે રાફેલ વિવાદથી વડા પ્રધાન મોદીની શાખ પર ધબ્બો લાગ્યો છે.
શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે રાફેલ વિવાદથી કેન્દ્ર સરકારની ઈમાનદારી પર સવાલ ઊઠી રહ્યા છે, જેના પરથી એવું લાગે છે કે ચાર વર્ષથી ભ્રષ્ટાચાર મુક્ત રહેલી મોદી સરકારને નજર લાગી ગઈ છે. શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં રાફેલને લઈને જે રીતે વિવાદ ઊઠી રહ્યા છે તેને જોતાં લાગે છે કે હવે આ મુદ્દો મોદી સરકાર સાથે ચીપકી ગયો છે.
શત્રુઘ્ન સિંહાએ એવો આક્ષેપ કર્યો છે કે રાફેલ ડીલને લઈને વડા પ્રધાન પર જે પણ સવાલ ઊઠી રહ્યા છે તેનો તેમણે પારદર્શક રીતે જવાબ આપવો જોઈએ, પરંતુ તેવું થઈ રહ્યું નથી. શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે મોદી સરકાર વિપક્ષ ને લોકોનું ધ્યાન મહત્ત્વપૂર્ણ મુદ્દાથી ભટકાવી રહી છે. ભાજપ સાંસદે કહ્યું હતું કે આ મુદ્દાને લઈને સરકારના સવાલ કંઈક અલગ છે, પરંતુ જવાબ કંઈક અલગ મળી રહ્યા છે.
કેન્દ્ર સરકાર પર વરસતાં શત્રુઘ્ન સિંહાએ એમ પણ કહ્યું કે એવું લાગે છે કે રાફેલ ગોટાળો બોફોર્સ ગોટાળાનો ગ્રેટ ગ્રાન્ડફાધર બની ગયો છે. આ મુદ્દા પર વડા પ્રધાનને મૌન તોડવાની માગણી કરતાં સિંહાએ કહ્યું કે આ વિવાદની તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની રચના કરવી જોઈએ, જેથી દૂધનું દૂધ પાણીની પાણી થઈ શકે.