નવી દિલ્હી, તા.૧૪
જાપાનના વડાપ્રધાન શિન્જો અબેની અમદાવાદની સિદી સઇદની મસ્જિદની મુલાકાત સામે હિંદુ મહાસભાએ ભારે નારાજગી દર્શાવી છે. શિન્જો અબે વડાપ્રધાન મોદી સાથે સિદી સઇદની મસ્જિદ પહોંચ્યા હતા. હિંદુ મહાસભાએ પીએમ મોદીના આ પગલાંને ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધ ગણાવ્યું છે. મહાસભાએ કહ્યું છે કે, ભારતના હિંદુઓ આને ક્યારેય માફ કરશે નહીં. પીએમ મોદીના આ પગલાંથી સમગ્ર ભારતના હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હિંદુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ મુન્નાકુમારે જણાવ્યું હતું કે, શિન્જો અબેને મસ્જિદના પ્રવાસને સ્થાને સોમનાથ મંદિર, દ્વારકા અને જ્યોતિર્લિંગના દર્શન માટે લઇ જવા જોઇતા હતા. ભારત એક હિંદુ રાષ્ટ્ર છે અને હિંદુ રાષ્ટ્ર તરીકે જ ભારતની ઓળખ છે. ભગવાન શિવ, રામ અને કૃષ્ણ ભારતીય સંસ્કૃતિના પ્રતીક છે તેથી જાપાનના વડાપ્રધાનને ગુજરાતમાં આવેલા હિંદુ દેવી-દેવતાઓના ભવ્ય મંદિરોનું દર્શન કરાવવું જોઇતું હતું પરંતુ તેમ ન કરી વડાપ્રધાને હિંદુ અને ભારત વિરોધી તથા ભારતીય સંસ્કૃતિનો વિરોધ કરવાનું કામ કર્યું છે.
મુન્નાકુમારે પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યંુ હતું કે, ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ પગલું ભરવામાં આવ્યું છે. પીએમનું આ પગલું લઘુમતીઓનું તૃષ્ટીકરણ કરવાનો ભાગ છે. લઘુમતી તૃષ્ટીકરણ કરવાને કારણે જ આજે કોંગ્રેસની હાલત બદતર છે. જો આવા જ કામ ભાજપ કરતું રહેશે તો આ સરકારને પણ સમાપ્ત કરવામાં સમય નહીં લાગે. ઉલ્લેખનીય છે કે, જાપાનના વડાપ્રધાન શિન્જો અબે બુધવારે પોતાના બે દિવસીય ભારતના પ્રવાસ અંતર્ગત ભારતના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યંુ હતું. બાદમાં બંને નેતાઓ રોડ-શો કરી સાબરમતી આશ્રમ અને સિદી સઇદની મસ્જિદે પહોંચ્યા હતા. શિન્જો અબેના ભારત પ્રવાસના બીજા દિવસે પીએમ નરેન્દ્ર મોદી સાથે ગુરૂવારે સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથ્લેટિક સ્ટેડિયમમાં મહત્ત્વકાંક્ષી ૧.૦૮ લાખ કરોડ રૂપિયા (૧૭ અબજ ડોલર)ની અમદાવાદ-મુંબઇ હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન રેલવે પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યંુ હતું.