(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટનીએ રોહિગ્યા શરણાર્થીઓના મુદ્દે મોદી સરકારની ટીકા કરી. એન્ટનીએ કહ્યું કે હાલના વડાપ્રધાન મોદી કરતાં ઈન્દીરા ગાંધી સારા હતા જેમણે રોહિગ્યા મુસ્લિમોની પડખે ઊભા રહ્યાં હતા અને તેમના રક્ષણની જવાબદારી લીધી હતી. એન્ટનીએ મોદી સરકાર આક્ષેપ કર્યો કે મોદી સરકાર ૪૦,૦૦૦ રોહિગ્યાને દેશની બહાર ધકેલી રહી છે. તેમણે કહ્યું કે ૧૯૭૦ ના દાયકામાં જ્યારે એક કરોડ કરતાં પણ વધારે શરણાર્થીઓ બાંગ્લાદેશમાંથી ભારત આવી રહ્યા હતા ત્યારે પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ અમેરિકાના શક્તિશાળી સાતમા ફ્લીટની પરવાહ કર્યા વગર તેમને ભારતમાં સંરક્ષણ આપવાનો આગ્રહ કર્યો હતો. ઈન્દીરા ગાંધીએ રોહિગ્યા માટે અલગ રાષ્ટ્ર બનાવવાની અને તેમને માટે યુદ્ધ લડવાની પણ હિંમત દાખવી હતી. એન્ટનીએ આગળ કહ્યું કે આજે અભિવ્યક્તિની આઝાદી પર ખતરો તોળાઈ રહ્યો છે. આજે દેશમાં પસંદગીનું ભોજન, ફિલ્મો નિહાળવવા તથા બૂકો લખવા પર કોઈ આઝાદી રહી નથી. આજથી દશકો પહેલા જે નૈતિક મૂલ્યો અસ્તિત્વ ધરાવતા હતા જેનો આજે સદંતર અભાવ છે. ભારતે સંસ્કૃતિ પરની ચર્ચા ગુમાવી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં તો કોઈ પણ વ્યક્તિને ડર સતાવી રહ્યો છે. આ ભારતીય મીડિયા માટે સારી બાબત નથી.