અમદાવાદ,તા.૨૪
પોતાના વિચિત્ર વર્તન માટે જાણીતા એવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારત અને અમદાવાદની મુલાકાતના ભાગરૂપે સાબરમતી આશ્રમની મુલાકાત વખતે વીઝીટર બુકમાં ગાંધીજી કે તેમના વિચારો કે ગાંધીજી સાથે સંબંધિત કાંઇપણ ઉલ્લેખ કર્યા વગર પોતાના મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતો સંદેશો લખતા ગાંધીજીમાં માનતા સૌ કોઇ આઘાત પામ્યા હતા. કેમ કે આખા ટૂંકા સંદેશા ગાંધીજીના “ગ” નો ક્યાંય ઉલ્લેખ સુધ્ધા નહોતો. ઉપરાંત ટ્રમ્પ દપતિએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પણ ન પહેરાવતા ગાંધીજનોમાં નારાજગી જોવા મળી હતી.
સામાન્યરીતે એવી પરંપરા રહી છે કે આ આશ્રમની મુલાકાત બાદ મહાનુભાવ વીઝીટર બુકમાં પોતાના હસ્તાક્ષર સાથે ગાંધીના વિચારો કે તેમને સંબંધિત કોઇ બાબતને સાંકળીને હકારાત્મક લખાણ લખતા હોય છે.
ટ્રમ્પ પાસેથી પણ સામાન્યતઃ લોકોને એવી આશા હતી. તેમણે મોદીની હાજરીમાં સંદેશો લખ્યો અને તેના ઉપર તેમણે અને તેમના પત્ની મેલાનિયાએ ઇન્ડીપેનથી હસ્તાક્ષર કર્યા હતા. તેઓ આશ્રમમાંથી વિદાય થયા બાદ તેમણે વીઝીટરબુકમાં ગાંધી વિષે શું લખ્યું તે અંગે મિડિયાએ તપાસ કરી ત્યારે નવાઇ પમાડે તેમ ટ્રમ્પે બુકમાં અંગ્રેજીમાં “ટુ માય ગ્રેટ ફ્રેન્ડ પ્રાઇમ મિનિસ્ટર મોદી-થેંક્યુ ફોર ધીસ વન્ડરફૂલ વીઝીટ!” એવું લખ્યું હતું. તેમાં ક્યાંય ગાંધીજીનો કે તેમના સંબંધિત કોઇ ઉલ્લેખ નહોતો જે જોઇને સૌ કોઇને ભારે નવાઇ અને આઘાત લાગ્યો હતો.