અમદાવાદ, તા.૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું. જો કે છેલ્લા કેટલાક સમયથી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પર રાજકારણ ચાલી રહ્યું છે. તેના સંદર્ભમાં થોડાક દિવસ પહેલાં જ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ખાસ માગણી કરી હતી કે ભાવનગર સ્ટેટ સહિતના બીજા પ૬ર રાજ્યના સિમ્બોલ તથા તેના શિલાલેખ પણ આ સ્થળે જ મૂકાવા જોઈએ. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કાર્યક્રમના સંબોધનમાં આ સૂચનને ધ્યાનમાં લીધું હતું. આ બદલ શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદીનો આભાર માન્યો છે. શંકરસિંહે કહ્યું કે, રજવાડા અંગે મારા મ્યુઝિયમના સૂચનનો સ્વીકાર કર્યો તે બદલ આભાર. અખંડ ભારતના સ્વપ્નને રજવાડાઓએ શક્તિ આપી હતી. હું ઈચ્છું છું કે રજવાડાના પરિવારોને દિલ્હી બોલાવી તેમના માનમાં રિસેપ્શન પણ રાખો.