(એજન્સી) તા.ર૧
બોલિવૂડના અભિનેતા અને ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ ફરીવાર પોતાના જ પક્ષ ભાજપ સામે બાંયો ચઢાવી હતી. રવિવારે તેમણે કહ્યું કે તેઓએ પાર્ટીના કોઇપણ નિયમનો ભંગ નથી કર્યો અને જો પાર્ટીની નીતિઓ વિશે સત્ય બોલવું ખોટું જ છે તો પછી હું પણ એક બળવાખોર જ છું. ભાજપની શોટગન મનાતા શત્રુઘ્ને ફિલ્મી અંદાજમાં કહ્યું હતું કે સચ બોલના અગર બગાવત હી હૈ તો સમજો હમ ભી બાગી હે. શત્રુઘ્ન સિંહાએ ચંદીગઢમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારી પાર્ટી દ્વારા જ મારી અવગણના કરવામાં આવે છે તેનું ઘણું દુઃખ થાય છે. તેમણે કહ્યું કે પહેલા દિલ્હી મ્યુનિસિપાલિટીના ચૂંટણીના પરિણામો આવ્યા અને હવે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા જે તમામ લોકોની નજરો સામે જ છે. બિહારી બાબુને ક્યાંય આમંત્રણ ન આપવામાં આવ્યું અને તેમની અવગણના કરવામાં આવી. જ્યારે દિલ્હીમાં કેજરીવાલે ભાજપનો સફાયો કરી નાખ્યો ત્યારે પણ મને બોલાવવામાં આવ્યો ન હતો અને તાજેતરમાં ભાજપ ત્રણ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી સ્કૂટર પાર્ટી બની ગઇ છે. મારી પાસે અનેક મંચ પર જવાની તક છે પરંતુ હું નથી જવા માગતો. તેમણે કહ્યું કે જો ભાજપ મને જાતે કાઢી મૂકશે તો જ હું બહાર નીકળીશ. જો પાર્ટીની નીતિઓ વિશે સત્ય બોલવું એ ખોટું જ છે તો હું પણ એક બળવાખોર જ છું. સિંહાએ કહ્યું કે હું પક્ષ છોડી જવા માગતો નથી પરંતુ જો પક્ષ જ મને કાઢી મૂકવા માગે છે તો મને જાણ કરે ને. તેમણે ભાજપના જૂના નેતાઓની યાદગીરી અપાવતાં કહ્યું કે જ્યારે વાજપેયી અને અડવાણી જેવા નેતા હતા ત્યારે તે પક્ષ સાથે જોડાયા હતા. વડાપ્રધાન મોદીને નિશાને લેતાં તેમણે કહ્યું કે આજે ભાજપ ફક્ત ટુ મેન આર્મી અને વન મેન શો બની ગઇ છે. તેમણે કહ્યું કે કોઇપણ સંગઠન કે પાર્ટી કોઇ એક વ્યક્તિ કે નેતા કરતાં મોટો હોય છે અને કોઇપણ દેશ એક રાજકીય પાર્ટી કે પક્ષ કરતાં મોટો હોય છે. આજના સમયમાં ભાજપ ફક્ત મોદીની પાર્ટી બની ગઇ છે. તેમ છતાં હું ભાજપને સાથ આપવા તૈયાર છું અને તેમાં જોડાઇ રહેવા માગું છું.