(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
દેશના પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં પ્રચાર કર્યો ત્યાં ૭૦ ટકાથી વધુ બેઠકો ભાજપે ગુમાવી હોવાનો ઇન્ડિયાસ્પેન્ડના અહેવાલમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. પાંચ રાજ્યોના ૮૦ વિધાનસભા મતવિસ્તારોમાં વડાપ્રધાન મોદીએ ૩૦ રેલીઓને સંબોધી હતી. આ ૮૦ મતવિસ્તારોમાંથી ભાજપે ૨૩ બેઠકો જીતી છે અને ૫૭ બેઠકો ગુમાવી હોવાની બાબત દર્શાવે છે કે મોદીનો જાદૂ ઓસરી રહ્યો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોદીની ૭૦ ટકાથી વધુ રેલીઓ યોજાઇ હતી. આ બંને રાજ્યોમાં વડાપ્રધાને ૫૪ મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો, તેમાંથી કેસરિયા પક્ષે માત્ર ૨૨ બેઠકો જીતી છે. જ્યારે છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ભાજપને માત્ર ૨૬ મતવિસ્તારોમાં વિજય હાંસલ થયો છે. આ રાજ્યોમાં મોદીની ૮ રેલીઓ યોજાઇ હતી. દરમિયાન, મોદી કરતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સ્થિતિ સારી રહી છે. અહેવાલ મુજબ ચાર રાજ્યોમાં આદિત્યનાથે ૫૮ રેલીઓ સંબોધી હતી જ્યાં ભાજપે ૨૭ બેઠક જીતી છે અને ૪૨ ગુમાવી છે. યોગીના વિજયની ટકાવારી મોદી કરતા થોડીક સારી રહી છે. મોદીના વિજયની ટકાવારી ૨૮.૭૫ ટકા છે જ્યારે યોગીની ટકાવારી ૩૯.૧૩ ટકા છે.