(એજન્સી) તા.૨પ
૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન ભ્રષ્ટાચાર, મોંઘવારી અને કાળાનાણાંને મુદ્દા બનાવીને સરકાર રચનાર ભાજપ અને કેન્દ્રની મોદી સરકાર હવે આ મુદ્દાઓમાં જ ઘેરાઈ ગઈ છે. સતત વધતી મોંઘવારી અને ભ્રષ્ટાચારના સવાલ પર સરકારનું મૌન પીએમ મોદીના એ નારાને જૂઠ્ઠું સાબિત કરે છે જેમાં ન ખાઈશ ન ખાવા દઈશ એવો વાયદો કરાયો હતો. તમને જણાવી દઈએ કે સત્તામાં આવતા પહેલા ભ્રષ્ટાચારને પોતાના ચૂંટણી અભિયાનમાં મુદ્દા બનાવનારા પીએમ મોદીએ કહ્યું હતું કે ન ખાઈશ ન ખાવા દઇશ. પરંતુ હવે આ વાયદાની પોલ ખુલી ગઈ છે. મોદી સરકાર આ મોર્ચે નિષ્ફળ ગઈ છે. જેના પર દમ બતાવી તે સત્તામાં આવી હતી. સત્તામાં આવ્યા બાદ મોદી સરકારને ચાર વર્ષ થઈ ગયા છે. પરંતુ સરકાર આજે પણ તેના જ મુદ્દાઓ માટે વિપક્ષના નિશાને આવી ગઈ છે.
મોદી સરકાર આ મુદ્દાઓ માટે ઘેરાઈ : કેન્દ્રમાં મોદીની સરકાર આવ્યા બાદ સરકાર સામે એ જ પડકારો છે જે કોંગ્રેસની સરકાર સામે હતા. પરંતુ હવે સરકાર જવાબ આપતા છટકી રહી છે. આગામી ચૂંટણીમાં આ મુદ્‌ો મોદી સરકાર માટે મુશ્કેલી બની શકે છે.
વિજય માલ્યા : કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ તમામ બેન્કોથી લોન લઈ દેશને ૯૦૦૦ કરોડનો ચૂનો ચોપડનાર કિંગફિશર માલિક વિજય માલ્યા દેશ છોડી લંડન ભાગી ગયો. બેન્કોથી લોન લઈ વિજય માલ્યા દેશમાંથી જ્યારે ફરાર થયો ત્યારે મોદીની સરકાર સત્તામાં હતી. જેના બાદ મોદી સરકાર આ મુદ્દે જોરદાર રીતે ટીકાને પાત્ર બની. વિજય માલ્યા ભારતીય બેન્કોનું હજારો કરોડોનું કરી ગયો અને લંડનમાં છે.
નીરવ મોદી : માલ્યાની જેમ નીરવ મોદી અને મેહુલ ચોક્સી પણ સરકાર માટે મુશ્કેલી બની ગયા છે. નીરવ અને મેહુલ ચાલુ વર્ષે પીએનબીનું ૧૩૦૦૦ કરોડનું કરી ગયા છે. તે પણ વિદેશ નાસી ગયા છે. જેના બાદથી સરકાર માટે આ મુદ્દો ખૂંચવતો બની ગયો છે.
જય શાહનો મામલો : ગત વર્ષે એક મીડિયા હાઉસે અમિત શાહના દીકરા જય શાહની સંપત્તિમાં ૧૬૦૦૦ ગણા વધારાના સમાચાર પ્રકાશિત કર્યા. જેના બાદ આ મામલે સરકાર બચાવમાં ઉતરી. સમાચારોમાં કહેવાયું કે વર્ષ ૨૦૧૪ બાદ જય શાહની કંપનીની આવક ૫૦ હજારથી વધીને ૮૦ કરોડ રૂપિયા થઈ ગઈ. પરંતુ સરકાર અને જય શાહે આ સમાચાર જૂઠા બતાવી માનહાનિનો કેસ કરી દીધો.
પીયૂષ ગોયલ : કેન્દ્ર સરકારના શક્તિશાળી મંત્રી પીયૂષ ગોયલ પર કોંગ્રેસ નેતા પવન ખેડાએ આરોપ મૂક્યો કે દસ રૂપિયાની કીંમતના શેર ૯૯૫૦ રૂપિયામાં ગોયલે એવી કંપનીને વેચ્યા જે ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આરોપ છે કે ઊર્જા મંત્રી રહેતા તેમણે કંપનીઓને અઘોષિત સંપત્તિની જાણકારી છુપાવી અને પદનો દુરુપયોગ કર્યો.