(એજન્સી) લખનૌ, તા. ૨૬
બસપાના પ્રમુખ માયાવતીએ મોદી સરકારના ચાર વર્ષને નિરાશાજનક ગણાવતા કહ્યું હતું કે, તેમની સરકારમાં ગઠબંધન પક્ષો જ મોદીથી નારાજ છે જે સ્પષ્ટ રીતે સંકેત આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના ચાર વર્ષ શનિવારે પુરા થયા હતા. નરેન્દ્ર મોદીએ ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. માયાવતીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, એનડીએ ગઠબંધનના સાથીઓ એક બાદ એક છૂટા થઇ રહ્યા છે જે દર્શાવે છે કે, ભાજપની આગેવાનીવાળી સરકાર તમામ મોરચે નિષ્ફળ અને નિરાશાજનક રહી છે. આ કેન્દ્ર સરકારમાં ગરીબો, મજૂરો, સામાન્ય લોકો અને મહિલાઓની અવદશા ઇતિહાસમાં કોઇ પણ સરકારમાં નથી થઇ. આ સરકારની ‘ચોરી ઉપર શિરજોરી’ આ પહેલા ઇતિહાસમાં કોઇ સરકારમાં જોવા મળી નથી. માયાવતીએ ત્યારબાદ પોતાના ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક કરી હતી. આ સરકારમાં ભાજપ અને પીએમ મોદીએ લોકોને આપેલા વચનો પુરા કર્યા નથી. તેમના પોતાના જ લોકો નેતાઓનું સાંભળતા નથી તે દર્શાવે છે કે, મોદી સરકારના ઉલ્ટા દિવસો શરૂ થઇ ગયા છે. માયાવતીએ દાવો કર્યો હતો કે, મોદી સરકારે મૂડીવાદીઓને નિરાશ કર્યા છે જ્યારે અર્થતંત્ર ખાળે જઇ રહ્યું છે. ઉપરાંત લોકો એવી ચિંતામાં છે કે, તેમના નાણા બેંકોમાં પણ સુરક્ષિત છે કે નહીં. મોદી સરકારે લોકોના જીવનના દરેક મોરચે અરાજકતા સર્જી છે જેનાથી સાબિત થયું છે કે,ભાજપની સત્તા એટલે ‘જંગલરાજ’ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઐતિહાસિક ટોચે છે જ્યારે મોદી સરકાર પોતાની સફળતાની ઉજવણી કરી રહી છે. ભાજપ અને પીએમ મોદી સરકારી મશીનરીનો ઉપયોગ કરી વિરોધીઓને નબળા પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. મોદી સરકારને ચાર વર્ષની ઉજવણી કરવાનો કોઇ અધિકાર નથી કારણ કે તેઓ નર્યું જુઠ્ઠાણું બોલી રહ્યા છે. ચાર વર્ષ પુરા થયા પરંતુ એ હકીકત છે કે, ગરીબી, બેરોજગારી, ખેડૂતોના મુદ્દા, મોંઘવારીના મોરચે સરકાર તદ્દન નિષ્ફળ નિવડી છે. જનતા હિંસા અને તનાવનો સામનો કરી રહી છે. આ સરકારના ઇતિહાસનો ભાગ બનશે. દલિતો, પછાત અને મુસ્લિમો દરરોજ હિંસાનો ભોગ બની રહ્યા છે. ભાજપે કઠુઆ અને ઉન્નાવ જેવા રેપ કેસોને દબાવવાના પ્રયાસો કર્યા છે જે તેમની પાર્ટીની અસલ છબિ દર્શાવે છે.