(એજન્સી) તા.૩૧
આસામમાં સિટીઝનશીપ (સુધારા) બિલ ૨૦૧૬ વિરુદ્ધ નાગરિકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. જોકે આ દરમિયાન અનેક સંગઠનોએ અને જૂથોને દેખાવોમાં ભાગ લઈ વડાપ્રધાન મોદીની ભાજપ સરકાર સામે આકરો રોષ ઠાલવ્યો હતો. દરમિયાન રોષે ભરાયેલા દેખાવકારોએ પોતાનો રોષ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી સર્બનંદા સોનોવાલના પૂતળા બાળ્યા હતા. જોકે એક મોટા સરઘસનું આયોજન કરીને ઠેરઠેર દેખાવો કરવામાં આવ્યા હતા અને જેના કારણે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો અને ટ્રેનો પણ અટકાવવામાં આવી હતી. તદઉપરાંત યુનિયન લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (યુએલએફએ) દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી કે જો કેન્દ્ર સરકાર દ્વારા સિટીઝનશિપ(સુધારા) બિલ પાસ કરવામાં આવશે તો ખરેખર કેન્દ્ર સરકારને લેવાના દેવા પડી જશે. યુએલએફે ધમકી આપી હતી કે જો કેન્દ્ર સરકાર આ બિલને મંજૂરી આપી દેશે તો અમે શાંતિ પ્રક્રિયાને ખોરવી નાખીશું અને તેને આગળ વધવા નહીં દઈએ. જોકે આ દેખાવો દરમિયાન નાલબારી ખાતે ધી આસામ જતિયાબાડી યુવા છત્ર પરિષદ(એજેવાયસીપી)એ વડાપ્રધાન મોદીના પૂતળાં અને પોસ્ટર બાળ્યા હતા. આ દરમિયાન સોનોવાલ સામે પણ આકરો રોષ ઠાલવતાં તેમના પણ પૂતળાં અને પોસ્ટર બાળવામાં આવ્યા હતા. અગાઉ કેન્દ્રીય રાજ્ય રેલવેમંત્રી રાજેન ગોહેને ભલામણ કરી હતી કે બાંગ્લાદેશી મૂળના હિન્દુઓ સ્થાનિકો માટે કોઈ ખતરા સમાન નથી. તેમણે કહ્યું કે કેટલાક લોકો એવા છે જે સિટીઝન શિપ બિલના અમલીકરણ વિશે અફવા ફેલાવી રહ્યાં છે અને સ્થાનિકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે તમામ હિન્દુ બાંગ્લાદેશી આસામના એક ભાગ સમાન જ છે. જે પણ હિન્દુ ૨૦૧૪ સુધીમાં બાંગ્લાદેશથી ભારત આવ્યા છે તેમને તમામને નાગરિકતા આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેની સ્થાનિક આસામીઓ ઉપર કોઈ અસર નહીં થાય. તેમણે અગાઉ એક વિવાદિત નિવેદન કરતાં કરતાં કહ્યું હતું કે બાંગ્લાદેશ મૂળના હિન્દુઓએ અમને ચૂંટણી વખતે ટેકો આપ્યો હતો અને એટલા માટે જ ભાજપ હવે તેમને પૂરેપૂરો ટેકો આપશે. અને તેમને નાગરિકતા અપાવીને જ રહેશે. જોકે તેમનું આ નિવેદન પણ જોઈન્ટ કમિટી ઓફ પાર્લામેન્ટની ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર અગ્રવાલના વડપણ હેઠળ આયોજિત બેઠક બાદ આવ્યું હતું. જેમાં સિટીઝનશિપ (સુધારા) બિલ ૨૦૧૬ અંગે ચર્ચા થઇ હતી.