(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
દેશની સૌથી મોટી તપાસ એજન્સી કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને મોદી સરકારની વચ્ચે પાછલા કેટલાક દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે. આ કેસ દેશની સૌથી મોટી અદાલત (સુપ્રીમ કોર્ટ) પાસે પણ પહોંચી ગયો છે. સૂત્રોનું માનીએ તો હવે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની વચ્ચે પણ તણાવ સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અહેવાલ મુજબ, આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ અને કેન્દ્ર સરકાર વચ્ચે નીતિઓને લગતા મુદ્દાઓ પર મતભેદ છે. આવા સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે, આ જોવું સુખદ છે કે, આખરે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ કેન્દ્રીય બેંકને વડાપ્રધાન મોદીથી બચાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપા) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને સંસ્થાઓ પર કબજો કરવા દેશે નહીં. ઉર્જિત પટેલ અને મોદી સરકારની વચ્ચે સંઘર્ષના સમાચાર બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ગવર્નરને આરબીઆઈના બચાવમાં આવવામાં કોઈ ખાસ વિલંબ થયો નથી. કોંગ્રેસ અધ્યક્ષે ટ્‌વીટ કરી કે, તે સારું છે કે, આખરે પટેલ આરબીઆઈને ‘મિસ્ટર પ૬’થી બચાવી રહ્યા છે. ક્યારેય નહીં કરતાં વિલંબ સારો. ભારત ભાજપ-આરએસએસને આપણી સંસ્થાઓ પર કબજો કરવા દેશે નહીં.