(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.રર
ઉનામાં ગૌરક્ષાના નામે દલિતો પર અત્યાચાર અને અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ ગૌરક્ષાના નામે મો.ઐયુબની હત્યાને લીધે ગુજરાત સહિત દેશભરમાં મુસ્લિમ સમાજ અને માનવતાના ભેખધારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
ત્યારે ગુજરાતમાં પ્રવર્તી રહેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસ્લિમ સમાજના તમામ સંગઠનોએ ભેગા મળી બનાવેલા ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા વિવિધ માગણીઓને લઈને તા.ર૩ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે. જેમાં દલિત સમાજ પણ જોડાશે.
ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિના એડહોક કન્વીનર મુફતી રીઝવાન તારાપુરીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગૌરક્ષકોના નામે કેટલાક અસામાજિક તત્ત્વો ગુંડાગીરી કરી મુસ્લિમ સમાજને એક અથવા બીજી રીતે વારંવાર રંજાડતા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદના વટવામાં રહેતા મોહંમદ ઐયુબ મેવ નામના યુવાનની કેટલાક અસામાજિક તત્ત્વોએ ગૌરક્ષાના નામે હત્યા કરી છે. ત્યારે રાજ્યમાં આવા ગુંડા તત્ત્વો કાયદો હાથમાં લઈને પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ આવા અત્યાચારો કરતા જરાય ખચકાતા નથી.
ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મરી પરવારી છે. વધુમાં તારાપુરીએ કહ્યું હતું કે, મોહંમદ ઐયુબના કેસમાં વિવિધ માંગણીઓને લઈને સરકારીતંત્ર સમક્ષ માંગણીઓ કરી રહ્યા છીએ. જેમાં મોે.ઐયુબની હત્યા કેસમાં તમામ કથિત ગૌરક્ષકોની તાત્કાલિક ધરપકડ કરી કાયદા મુજબ સમાજમાં દાખલો બેસે તેવી સખત સજા કરવામાં આવે. તંત્રની રહેમ નજર હેઠળ છાકટા બનેલા ગુંડા તત્ત્વોની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે, તંત્રની રહેમ નજર હેઠળ ગોવંશના નામે કરાતી ખોટી કનડગતને તાત્કાલિક રોકવામાં આવે. ઉપરાંત મો.ઐયુબના પરિવારજનોને તાકીદે યોગ્ય વળતર આપી ઘરના એક સભ્યને રહેમ નજર હેઠળ સરકાર દ્વારા નોકરી આપવામાં આવે તેમજ ઘરના તમામ સભ્યોને જરૂરી સુરક્ષા આપવામાં આવે. તેવી માંગણી તંત્ર સમક્ષ કરીએ છે. તેમજ આ બધી માંગણીઓને લઈને તા.ર૩ સપ્ટેમ્બરના રોજ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા સરદારબાગ ખાતે સાંજે ૪ વાગ્યે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આ કાર્યક્રમની જાહેરાત કરતી વેળા મુફતી અબ્દુલ કૈયુમ, શકીલ અહેમદ રાજપૂત, મૌલાના અખ્તર રીઝવી, શમશાદખાન પઠાણ, પ્રો.નિસાર અન્સારી, સહિતના મુસ્લિમ સંગઠનોના અગ્રણીઓ હાજર રહ્યા હતા.