(એજન્સી) મુંબઇ, તા. ૨૭
બોલિવૂડના મહાન ગાયક મોહમ્મદ અઝીઝ હાર્ટ એટેકના પગલે જન્નતનશીન થયા છે. તેઓ ૬૪ વર્ષના હતા. મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં તેઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. મોહમ્મદ અઝીઝની પુત્રી સના અઝીઝે કહ્યું કે, અમને બપોરે ત્રણ વાગે જાણ થઇ, તેઓ કોલકાતાથી મુંબઇ આવી રહ્યા હતા. તેમની સાથે કોઇને કોઇ પ્રવાસ કરતો હોય છે તેથી અમને જાણવા મળી ગયું કે, પિતાજીની તબીયસ સારી નથી. તેઓને અચાનક હાર્ટ અંગેની તકલીફ ઉભી થઇ હતી અને એરપોર્ટ પર જ ફસડાઇ ગયા હતા. તેઓ વિમાનમાં બેસતા પહેલા પણ સારૂ અનુભવી રહ્યા ન હતા પણ તેઓ ઘરે પરત ફરવા માગતા હતા તેથી વિમાનમાં બેસી ગયા. તેઓ છેલ્લા કેટલાક સમયથી કોલકાતા અને ઉત્તરપૂર્વમાં ઘણા શો કરી રહ્યા હતા. તેઓ ત્યાં એક શો પુરો કરી મુંબઇ પરત ફરી રહ્યા હતા. તેમના મૃતદેહને કાંદિવલી વેસ્ટ ખાતેના મકાન પર લવાશે.
મોહમ્મદ રફીના ગીતો ગાનાર પોતે પ્લેબેક ગાયક બની મોહમ્મદ રફીના અવાજને જીવંત કરવા પ્રયત્ન કરનારા મોહમ્મદ અઝીઝ મૂળ કોલકાતાના રહેવાસી હતા. તેમને ફિલ્મ મર્દમાં મનમોહન દેસાઇએ બ્રેક આપ્યો અને મર્દ ટાંગેવાલા હિટ થઇ ગયો ! ત્યાારબાદ ફિલ્મ ‘અલ્લારખા’માં મોહમ્મદ અઝીઝે પોતાના અવાજની ઊંચાઇ દેખાડી ‘પરવર દિગારે આલમ’ જેવા ગીતોથી લોકોને મોહમ્મદ રફીની યાદ તાજી કરાવી દીધી ! ૧૯૯૦માં ફિલ્મ ‘આવાઝ દે કહાં હૈ’માં મોહમ્મદ રફીના ચાહક એવા દિગ્ગજ સંગીતકાર નૌશાદે બધા ગીતો માટે મોહમ્મદ અઝીઝ ઉપર પસંદગી ઉતારેલ અને જલાને કો નાલે જેવા ગીત ગવડાવ્યા. આજે કદાચ ગીતોમાં મખમલી અવાજ અને રિયાઝની જરૂર નહીં હોય ત્યારે સ્વાભાવિક છે લોકો સુંદર કંઠ ધરાવતા ગાયકો અલિપ્ત થતા જાય છે.
મોહમ્મદ અઝીઝ ત્રણ દાયકાઓ સુધી મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કબજો જમાવી રાખ્યો હતો. તેમણે હિંદી, બંગાળી અને ઓડિયા ફિલ્મના ગીતો પણ ગાયા છે ઉપરાંત ભારત તથા વિદેશમાં ઘણા સ્ટેજ શો અને કોન્સર્ટ પણ કર્યા હતા. સર્વકાલિન મહાન ગાયક મોહમ્મદ રફી સાથે મેળ ખાતા અવાજ ધરાવતા મોહમ્મદ અઝીઝે બંગાળી ફિલ્મ જ્યોતિ સાથે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે ૧૯૮૪માં પ્રથમવાર હિંદી ફિલ્મ અંબરમાં કામ કર્યું હતું. અમિતાભ બચ્ચનની મર્દ ફિલ્મમાં અનુ મલિકે તેમને બે ગીતો ગાવા ઓફર કરી હતી. અઝીઝ ટોચના સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલના ઘણા નજીકના મનાતા હતા અને તેમણે સાથે મળીને ઘણા સફળ ગીતો આપ્યા હતા. ઉપરાંત તેમણે કલ્યાણજી-આનંદજી, આરડી બર્મન, નૌશાદ, ઓપી નૈયર અને બપ્પી લહેરી સહિત અન્યો સાથે પણ કામ કર્યું છે. તેમણે ૧૯૮૦ અને ૧૯૯૦ના દશકમાં અનુરાધા પોંડવાલ, આશા ભોંસલે અને કવિતા ક્રિશ્નમૂર્તિ સાથે ઘણા ગીતો ગાયા હતા. તેમના મુખ્ય ગીતોમાં ‘‘લાલ દુપટ્ટા મલમલ કા’’, આપ કે આજાને સે’’, ‘‘મેં તેરી મોહબ્બત મેં’’ અને ‘‘દિલ લે ગઇ તેરી બિંદિયા’’ જેવા ગીતો સામેલ છે.
મહાન ગાયક મોહમ્મદ અઝીઝ જન્નતનશીન થયા

Recent Comments