(એજન્સી) રિયાધ,તા.ર૧
સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન સાથે કાશ્મીર મુદ્દે ટેલિફોનિક ચર્ચા કરી હતી. જેમાં બન્ને નેતાઓએ તાજેતરમાં ૩૭૦ની કલમ રદ કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો તે અંગેની તેમજ પ્રદેશની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ખાનને ક્રાઉન પ્રિન્સનો ફોન ત્યારે આવ્યો કે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન ખાન સાથે ચર્ચા કરી હતી અને સાથે જ એ વિનંતી પણ કરી હતી કે બંને પક્ષો કાશ્મીર મુદ્દે પેદા થયેલા તણાવને દૂર કરવાનો પ્રયત્ન કરે. આ ઉપરાંત ટ્રમ્પે પાકિસ્તાની નેતાને કાશ્મીર મુદ્દે ભારત સાથે વાતચીત કરવા દરમ્યાન નરમ વલણ દાખવવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ખાને ૭ ઓગસ્ટના રોજ કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા માટે સઉદી નેતાને ફોન કર્યો હતો. તે સમયે બંને નેતાઓએ પ્રદેશની સ્થિતિમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવા અંગેની ચર્ચા કરી હતી.