(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૧૮
સઉદીના ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન સલમાને પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ઇમરાન ખાનને કહ્યું હતું કે, તેઓ તેમને સઉદીમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે ગણી શકે, સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, તેઓ પાકિસ્તાનને ના ન કહી શકે. પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાન ખાનની વરણીને યોગ્ય ગણાવતા પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, સઉદી-પાકિસ્તાનના સંબંધો આગળ વધારવા માટે સઉદી શાસન આવી સત્તાની રાહ જોઇ રહ્યું હતું અને આનાથી આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાનને મદદ કરી શકાય છે. ઇમરાન ખાનના ઘરે એક સંબોધનમાં સલમાને કહ્યું કે, તમામ સઉદી નાગરિકો માટે પાકિસ્તાન વહાલો દેશ છે અને ખરાબ અને સારા સમયમાં બને દેશો એક સાથે ચાલ્યા છે.
પાકિસ્તાનના પ્રવાસે આવેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાને પાકિસ્તાન સાથે ૭ ર્સ્ેં કરી ૨૦ અબજ ડૉલરની લ્હાણી કરી છે. સાથે જ તેમણે પાકિસ્તાનને લઈને એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે. વલી અહદનું પદ સંભાળ્યા બાદ સલમાનની આ પહેલી પાકિસ્તાન યાત્રા છે. પાકિસ્તાનની મુલાકાતે આવેલા સાઉદી પ્રિન્સને વડા પ્રધાન ઇમરાન ખાન ડ્રાઈવર બન્યા છે. ઈમરાને જાતે કાર ચલાવીને સાઉદી પ્રિન્સને હોટલ સુધી લઈ ગયા હતા. પાકિસ્તાન સાથે સાઉદી પ્રિન્સે પાવર, પેટ્રોકેમિકલ્સ, માઇનિંગ સહિતના સાત ક્ષેત્રે એમ.ઓ. યુ. કર્યા છે. મોહમ્મદ બિન સલમાને જણાવ્યું, ૨૦ અબજ ડૉલરનું રોકાણ તો માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં આ રોકાણમાં વધારો થશે. અમે દર મહિને રોકાણમાં વધારો કરતા જઈશું. પાકિસ્તાન ભવિષ્યમાં ખૂબ જ મહત્ત્તવપૂર્ણ દેશ સાબિત થશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન સાઉદી અરેબિયાના લોકોનો એક પ્રિય દેશ છે. અમે શરૂઆતથી જ તેના ભાગીદાર છીએ અને રહીશું. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન આર્થિક ભાગીદારી ખાસ કરીને પર્યટન ક્ષેત્રે વિસ્તાર કરવા સાથે મળીને કામ કરતા રહ્યાં છે. પાકિસ્તાન બાદ સાઉદી પ્રિન્સ ભારતની મુલાકાતે આવશે. ભારતમાં તેઓ વડા પ્રધાન મોદી અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરશે. ભારતની મુલાકાત બાદ તેઓ ગરૂવારે ચીનની મુલાકાત પણ લેશે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાનને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે સાઉદી અરેબિયા સાચા મિત્રની જેમ પડખે ઊભું રહ્યું છે. આજનો દિવસ પાકિસ્તાન માટે ઐતિહાસિક દિવસ છે.

‘‘પાડોશીઓ વચ્ચે તંગદિલી ઘટાડવા પ્રયાસ કરીશું’’
પુલવામા હુમલા બાદ સઉદીની પ્રતિક્રિયા

(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૧૮
પાકિસ્તાનના ઇસ્લામાબાદ પહોંચેલા સઉદીના ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન સલમાનના વિદેશ મંત્રીએ નવી દિલ્હીના પ્રવાસ પહેલા પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા સંદર્ભે પાકિસ્તાનમાં કહ્યું છે કે, તેઓ બે પાડોશી દેશો વચ્ચે તંગદિલી ઘટાડવા માટે પ્રયાસ કરશે. પાકિસ્તાને દિલ્હીમાંથી પોતાના રાજદૂતને ચર્ચા માટે બોલાવ્યા હતા જ્યારે સઉદીના વિદેશ મંત્રીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આના કારણે બે પાડોશી દેશો વચ્ચે વધુ એક રાજદ્વારી સંકટ ઉભું થયું છે. જમ્મુ-કાશ્મીરમાં ગયા અઠવાડિયે રાજ્યના ઇતિહાસના સૌથી ભયાનક આતંકવાદી હુમલામાં ૪૧ જવાનો શહીદ થયા બાદ ભારતે બદલો લેવાનો હુંકાર કર્યો છે. સઉદીના વિદેશ મંત્રી અદેલ અલ ઝુબૈરે કહ્યું છે કે, બે પાડોશી દેશો વચ્ચેની તંગદિલી ઘટાડવાનો પ્રયાસ કરવાનો અમારી પાસે વિકલ્પ છે અને શાંતિપૂર્ણ રીતે આવા અંતરને ઉકેલ માટે આગળ વધવાનો માર્ગ શોધવાનો છે. આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે સલમાન સોમવારે જ પાકિસ્તાનના પ્રવાસ બાદ ભારતમાં આવશે.