(એજન્સી) તા.૧૪
૧૦માં ધોરણની પરીક્ષામાં એક માર્ક્સ કપાતા દુઃખી થયેલા વિદ્યાર્થીએ તેની કોપી ફરીવાર ચકાસવા માટે અરજી કરી દીધી હતી. કર્ણાટકના મોહમ્મદ કૈફ મુલ્લાએ ૧૦માં ધોરણમાં ૬૨૫ માર્ક્સમાંથી ૬૨૪ માર્ક્સ મેળવ્યા હતા અને તે સંયુક્ત રૂપે ટોપર બન્યો હતો પરંતુ મોહમ્મદ તેનાથી ખુશ નહોતો. એટલા માટે એ જાણવા માટે કે તેનો એક માર્ક્સ ક્યાં કપાયો તે માટે પેપર ફરી ચકાસવા માટે અરજી કરી દીધી. ફરીવાર કોપી ચકાસ્યા બાદ આશ્ચર્યજનક પરિણામ આવ્યા હતા અને તેમને સંપૂર્ણ માર્ક્સ મળી ગયા હતા અને તે કર્ણાટકમાં ૧૦માં બોર્ડમાં એકલો ટોપર બની ગયો છે. કર્ણાટકના બેલગામમાં સેન્ટ ઝેવિયર હાઈસ્કૂલના વિદ્યાર્થી મોહમ્મદ કૈફ મુલ્લાના ૧૦માં બોર્ડમાં ૬૨૪ માર્ક્સ આવ્યા હતા. ૬૨૫માંથી ૬૨૪ માર્ક્સ મળ્યા હતા પરંતુ તે ખુશ નહોતો. મોહમ્મદ સંયુક્ત રૂપે ટોપર બન્યો હતો પરંતુ તેને અસંતોષ થતાં ફરી પેપર ચકાસવાનો નિર્ણય કર્યો. ફરીવાર તપાસ કરવામાં આવતા તેને ૬૨૫માંથી ૬૨૫ માર્ક્સ પૂરા મળ્યા હતા. હવે મોહમ્મદ સમગ્ર કર્ણાટકમાં એકમાત્ર ટોપર બની ગયો છે. ૧૧માં ધોરણમાં સાયન્સ પસંદ કરનારા મોહમ્મદ આઈએએસ બનવા માગે છે. તેના માતા-પિતા સરકારી સ્કૂલમાં શિક્ષક છે. તેના પિતા હારૂન રાશિદ મુલ્લા ઉર્દૂના પ્રોફેસર છે અને માતા પરવીન મુલ્લા હાઈસ્કૂલમાં કન્નડ ભણાવે છે. મોહમ્મદે એક વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મને આત્મવિશ્વાસ હતો કે મારા ૧૦૦ ટકા માર્ક્સ આવશે. પેપર આપ્યા બાદ મેં મારા લખેલા જવાબ ટીચર, નોટબુક અને મોડલ આન્સર શીટ સાથે મિલાવ્યા હતા અને તે એકદમ સાચા પણ હતા. પહેલા મને ૬૨૪ માર્ક્સ એટલે કે ૯૯.૮૬ ટકા આવ્યા હતા પરંતુ ફરીવાર ચકાસણી બાદ ૧૦૦ ટકા માર્ક્સ મળ્યા હતા. મોહમ્મદના પિતા પણ કહે છે કે મારો દીકરો ફક્ત અભ્યાસ પાછળ જ ધ્યાન આપે છે. સોશિયલ મીડિયાથી દૂર રહે છે.