(એજન્સી) તા.૩૦
ભારતના સમાચાર પોર્ટલ ‘ધ વાયરેે’ એક લેખના માધ્યમ દ્વારા સવાલ ઉઠાવ્યો છે કે ભારતના ૮૬ વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં ૨૯૦ જેટલા વિવિધ ખેલાડીઓએ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી. જેમાંથી માત્ર ચાર જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છે. જ્યારે ભારતની વસ્તીના પ્રમાણ અનુસાર આ આંકડો ચાર નહીં પરંતુ ૭૦ હોવો જોઇએ. આ એક એવી અસમાનતા છે. જેને સરળતાથી ફગાવી પણ શકાય નહીં. આ લેખ દ્વારા એક નવી ચર્ચા છેડાઇ છે. આ ચર્ચામાં ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડી મોહંમદ કૈફે ટ્‌વીટ કરીને આ સમાચાર પોર્ટલ સામે કેટલાય સવાલ ઉઠાવ્યા છે. સમાચાર પોર્ટલે દ.આફ્રિકાનો દાખલો ટાંકીને ભારતીય ક્રિકેટમાં દલિત ખેલાડીઓ નહીં હોવાના સવાલ પણ ઉઠાવ્યા છે. સાથે જ દ.આફ્રિકામાં અશ્વેત ખેલાડીઓને સમાન તક આપવા માટે ક્રિકેટમાં અશ્વેત ખેલાડીઓનો ક્વોટા પણ શરુ કર્યો છે. મોહંમદ કૈફે ટ્‌વીટ કરીને પ્રતિક્રિયા આપતા કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સૌથી પહેલો પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે કેટલા પ્રાઇમટાઇમ પત્રકાર એસસી અથવા એસટી છે? અથવા તો તમારી સંસ્થામાં કેટલા સિનિયર તંત્રીઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છે ? રમતગમત કદાચ એક એવું ક્ષેત્ર કે માધ્યમ છે જેણે જ્ઞાતિ અવરોધો સફળતાપૂર્વક ફગાવી દીધા છે. ખેલાડીઓ હળીમળીને સાથે રમે છે, પરંતુ અમારી પાસે એવું પત્રકારત્વ છે જે નફરત ભડકાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે ૧૯૭૦-૮૦માં અડધા ભાગની ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ મુખ્યત્વે દેશના છ શહેરોમાંથી-મુંબઇ, ચેન્નઇ, દિલ્હી,બેંગ્લુરુ, હૈદરાબાદ અને કોલકાત્તાનો સમાવેશ થાય છે. જો કે આ છ શહેરોનો હિસ્સો તાજેતરના વર્ષોમાં ૪૦ ટકા કરતા ઓછો જોવા મળ્યો છે.