જૂનાગઢ, તા.૬
ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. ગૂર્જરધરાનાં કવિઓને તેમની કલાસધાનાને સન્માનવા મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શન તળે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૧૯૯૯-રાજેન્દ્ર શાહ, ૨૦૦૦-મકરંદ દવે, ૨૦૦૧-નિરંજન ભગત, ૨૦૦૨-અમૃત ઘાયલ, ૨૦૦૩-જયંત પાઠક, ૨૦૦૪ -રમેશ પારેખ, ૨૦૦૫-ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૬-રાજેન્દ્ર શુક્લ, ૨૦૦૭-સુરેશ દલાલ, ૨૦૦૮-ચિનુ મોદી, ૨૦૦૯-ભગવતીકુમાર શર્મા, ૨૦૧૦-અનિલ જોશી, ૨૦૧૧-ભાનુપ્રસાદ પંડ્યા, ૨૦૧૨-માધવ રામાનુજ, ૨૦૧૩-નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક, ૨૦૧૪-હરીશ મિનાશ્રુ, ૨૦૧૫-મનોહર ત્રિવેદી, ૨૦૧૬-જલન માતરી અને આ વર્ષે કવિ દલપત પઢિયાર અને ગુલામ મોહમ્મદ શેખને અર્પણ થયો છે.
સાહિત્ય રસનાં ઊંડા ખેડાણ કરનાર રઘુવીરભાઇ ચૈાધરી, પંડિત લાભશંકરભાઇ પુરોહિત, હર્ષદભાઇ ચંદારાણા, હરિકૃષ્ણ પાઠક, રાજેન્દ્ર શુક્લ, જેન્તીભાઇ ચાંદ્રા, ભિખુદાનભાઇ ગઢવી, નિરંજનભાઇ રાજ્યગુરૂ, નરસિંહ મહેતા યુનિના કુલપતિ ડો. જે.પી. મૈયાણી, મેયર આદ્યાશક્તીબેન મજમુદાર, નાયબ મેયર ગિરીશભાઇ, અગ્રણી સંજયભાઇ કોરડિયા, અગ્રણી કિરીટભાઇ સંઘવી, હેમંતભાઇ નાણાવટી સહિત નગરના બૌદ્ધિકો અને સાહિત્ય મર્મજ્ઞોની હાજરીમાં માહિતી ખાતામાં દિર્ઘકાલીન સેવાપૂર્ણ કરી અધિક માહિતી નિયામક પદેથી નિવૃત થનાર કવિ દલપતભાઇ પઢિયારને ચોવીસમો અને કવિ ગુલામ મોહમ્મદ શેખને ત્રેવીસમો નરસિંહ મહેતા એવોર્ડ, ધનરાશીનો ચેક અને પ્રશસ્તી પત્ર મોરારીબાપુના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે આદીકવી ભક્ત નરસિંહની તપોભુમિ ગીરનાર તળેટીમાં શરદપુર્ણીમાંની સંધ્યાએ રૂપાયતન ટ્રસ્ટ પરિરસમાં એવોર્ડ અર્પણવીધી વેળાએ એવોર્ડ હાંસલ કરનાર શ્રી પઢીયાર અને શેખને શુભકામનાં પાઠવી મોરારીબાપુએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યંુ હતું કે તળેટીમાં જતાં એવુ લાગે છે હજી ક્યાંક કરતાર વાગ્યા કરે છે, ઋષીકેશની ૪૦ વર્ષ અગાઉની અનુભતિને ટાંકતા જણાવ્યું કે એક ફકીરે આઠ આઠ દિવસ સુધી યજ્ઞકુંડની સાક્ષીએ સહસાધક બની આઠમાં દિવસે યજ્ઞકુંડમાં લોબાન હોમવાની અનુમતિ માંગી ત્યારે એવું લાગ્યું કે ધરતીનાં ધુપિયામાં ગુગળ અને લોબાન બંનેને રાખવા જોઇએ. આજે ભવનાથ તળેટીમાં આ નરસિંહ પર્વનાં સાંનિધ્યે પુનઃ ગુગળ અને લોબાન બંને બેઠા છે.