કટક,તા.૨૩
૨૦૧૯નું વર્ષ પૂરું થવાને હજી અઠવાડિયું બાકી છે, પણ આ વર્ષની વન-ડે મૅચોની સમાપ્તિને ધ્યાનમાં ભારતનો પેસ બોલર મોહંમદ શમી ૪૨ વિકેટો સાથે તમામ વર્તમાન બોલરોમાં મોખરે રહ્યો છે. ન્યૂ ઝીલૅન્ડનો ટ્રેન્ટ બૉલ્ટ ૩૮ વિકેટ સાથે બીજા સ્થાને, તેના જ દેશનો ફર્ગ્યુસન ૩૫ વિકેટ સાથે ત્રીજે, બંગલાદેશનો મુસ્તફિઝુર રહેમાન ૩૪ વિકેટ સાથે ચોથે અને ભારતનો ભુવનેશ્ર્‌વર કુમાર ૩૩ વિકેટ સાથે પાંચમે છે.દરમિયાન, મહાન બૅટ્‌સમૅન સુનીલ ગાવસકરે ગઈ કાલે એક જાણીતી ચૅનલ પરની કૉમેન્ટરી દરમિયાન પોતાના ફેવરિટ બોલર શમીની વાત કરતા કહ્યું હતું કે ‘મોહંમદ શમીની બોલિંગ જોઈને મને વેસ્ટ ઇન્ડિઝના લેજન્ડરી પેસ બોલર માલ્કમ માર્શલની યાદ આવે છે. માર્શલ આપણી વચ્ચે હયાત તો નથી, પરંતુ આ રીતે તેઓ હજી પણ પોતાની યાદ અપાવી જાય છે.’સનીએ શમીની કુશળતાઓનો ઉલ્લેખ કરતા તેને દીપડા સાથે સરખાવ્યો હતો. ‘શમી દોડવાનું શરૂ કરે છે ત્યારે સ્પાઇડર કૅમ (કૅમેરા) તેને પોતાનામાં જે રીતે કેદ કરે છે એ જોવા જેવું હોય છે. એવું લાગતું હોય છે કે જાણે દીપડો શિકારને નિશાન બનાવવા દોડી રહ્યો છે.’ શમીએ ગઈ કાલે ઓપનર શાઇ હોપ (૪૨ રન)ની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.