હેમિલ્ટન, તા.૧૫
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શનિવારે ન્યૂઝીલેન્ડ-૧૧ સામેની પ્રેક્ટિસ મેચમાં શાનદાર દેખાવ કરતા ૩ વિકેટ ઝડપી હતી. બીજા દિવસના અંતે શમીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “જસપ્રીત બુમરાહે ભારત માટે જે પ્રાપ્ત કર્યું છે અને સતત સારું પ્રદર્શન કર્યું છે, તે લોકો કઈ રીતે ભૂલી શકે છે? તેણે બે મેચમાં માભા પ્રમાણે દેખાવ ન કર્યો તેનો મતલબ એ નથી કે તમે તેના જેવા મેચ વિનરની ક્ષમતા પર પ્રશ્ન કરો. તે મેચ વિનર છે.” “પરિસ્થતિ ફાસ્ટ બોલિંગ માટે મદદગાર હતી તેનો ફાયદો થયો. પિચ પર ઘાસ હતી, ગઈકાલની સરખામણીએ વિકેટ સૂકી હતી પરંતુ વાદળછાયું વાતાવરણ હોવાથી બોલિંગ કરવામાં સારી મદદ મળી. આવી પિચ પર ક્યારેક જ રમવા મળે છે જે ફાસ્ટ બોલર માટે રેડીમેડ હોય છે. ઉછાળ સારો હતો અને બોલ કીપર સુધી સારી રીતે જતો હતો. એક ગ્રુપ તરીકે અમને મજા આવી.”