(એજન્સી) નાગપુર, તા. ૧૮
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, તે કાયદો બનાવી અયોધ્યામાં રામમંદિર બનાવવાનો માર્ગ મોકળો કરે. તેમણે કહ્યું કે, રામમંદિર નિર્માણ સ્વગૌરવની દૃષ્ટીથી આવશ્યક છે અને મંદિર બનવાથી દેશમાં સદ્‌ભાવના તથા એકતાનું વાતાવરણ સર્જાશે. વિજયા દશમીના અવસરે અહીં એક વાર્ષિક સંબોધનમાં ભાગવતે કહ્યું કે, રામ જન્મભૂમિના સ્થળની વહેંચણી હજુ બાકી છે જ્યારે પુરાવાની પુષ્ટિ થઇ ચુકી છે કે તે સ્થાને મંદિર હતું. રાજકીય દખલ ન હોત તો મંદિર ક્યારનુંય બની ગયું હોત. અમારી ઇચ્છા છે કે, સરકાર કાયદા દ્વારા રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો કરે.
મોહન ભાગવતે જણાવ્યું કે, રાષ્ટ્રના સ્વ ગૌરવના સંદર્ભમાં પોતાના કરોડો દેશવાસીઓ સાથે રામજન્મભૂમિ પર દેશના પ્રાણસ્વરૂપ ધર્મમર્યાદાના વિગ્રહરૂપ રામચંદ્રનું ભવ્ય રામમંદિર બનવાના પ્રયાસમાં સંઘ સહયોગી છે. ભાગવતે વધુમાં જણાવ્યું કે, કેટલાક તત્વો નવી-નવી બાબતો રજૂ કરીને ન્યાયિક પ્રક્રિયામાં દખલ આપી રહ્યા છે અને નિર્ણયોમાં અડચણ ઉભી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કારણ વિના સમાજના ધૈર્યની પરીક્ષા લેવી કોઇના હિતમાં નથી. રાષ્ટ્રહિતની બાબતમાં સ્વાર્થ માટે કોમી રાજનીતિ કરનારા કેટલાક કટ્ટરવાદી તત્વો અડચણ ઊભી કરી રહ્યા છે. રાજનીતિને કારણે રામમંદિર નિર્માણમાં વિલંબ થઇ રહ્યો છે. ભાગવે માઓવાદીઓ પર નિશાન તાકતા કહ્યું કે, માઓવાદની પ્રકૃતિ હંમેશા શહેરી રહી છે અને શહેરી નકસલવાદીઓના નવા ડાબેરી સિદ્ધાંતનો લક્ષ્યાંક એક રાષ્ટ્રવિરોધી નેતૃત્વ સ્થાપિત કરવું છે જેની પાછળ તેમના માટે કટિબદ્ધ અંધપ્રશંસક ઉભા હોય. તેમણે આરોપ લગાવ્યો હતો કે, શહેરી નકસલવાદ સમાજમાં નફરત અને ખોટી બાબતોને પ્રોત્સાહન આપે છે. માઓવાદ હંમેશા શહેરી રહ્યો છે જેણે પોતાનો એજન્ડા પુરો કરવા માટે સમાજના વંચિત લોકોનો ઉપયોગ કર્યો છે. સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે તેમણે કહ્યું કે, છોકરીઓ અને મહિલાઓના મંદિરમાં પ્રવેશ પર મનાઇની પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી આવી છે અને વર્ષોથી તેનું પાલન થઇ રહ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનારા લોકો ક્યારેય મંદિરમાં જતા નથી. મહિલાઓનો એક વર્ગ પણ આ પ્રથાનું પાલન કરે છે અને તેમના વિચારો પર ધ્યાન આપવામાં આવ્યું નથી.
ભારતની વિદેશનીતિ અંગે મોહન ભાગવતે કહ્યું કે, ભારતની વિદેશનીતિ હંમેશા શાંતિ, સહિષ્ણુતા અને સરકારોની નિરપેક્ષ મિત્રતાની રહી છે. સુરક્ષા ઉત્પાદનોમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા વિના ભારત પોતાની સુરક્ષા અંગે આશ્વાસ્ત થઇ શકે. તેમણે કહ્યું કે, દેશે આંતરરાષ્ટ્રીય બજારમાંથી પોતાની શરતો પર સુરક્ષા ઉપકરણો ખરીદવા જોઇએ. ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે કોંગ્રેસ દ્વારા સતત રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાના મામલે પ્રહારો કરી રહી છે અને મોદી સરકાર પર અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવે છે. ચૂંટણીઓમાં ઇવીએમમાં નોટાના વિકલ્પનો ઉપયોગ કરવાની મતદારોને અપીલ અંગે ભાગવતે કહ્યું કે, મતદાન ન કરવું મતદારનો અધિકાર છે મતદારની દૃષ્ટિએ જે સૌથી અયોગ્ય ઉમેદવાર હોય તેના પક્ષમાં જાય છે તેથી રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને ૧૦૦ ટકા મતદાન કરવું જોઇએ.

રામમંદિર માટે કાયદો બનાવતા કોણે
રોક્યા છે ? : ઓવૈસીનો વળતો પ્રહાર

અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે કાયદો લાવવાના નિવેદન પર એઆઇએમઆઇએમના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, આરએસએસ અને તેમની સરકારને કાયદો બનાવવાથી કોણે રોક્યા છે. ભાજપ અને આરએસએસ અનેકતામાં એકતામાં વિશ્વાસ નથી રાખતા. તેઓ સર્વસત્તાવાદમાં વિશ્વાસ રાખે છે. તેમને સરકાર પર વિશ્વાસ નથી. તેઓ કાયદાની અવગણના કરી રહ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે, તમે કોઇ એક ધર્મ માટે ખાસ કાયદો બનાવી શકતા નથી જે આર્કિટલ ૧૪નું ઉલ્લંઘન છે. તેમ છતાં તેઓ કાયદો બનાવવા માગતા હોય તો તેમને કોણે રોક્યા છે ?