(એજન્સી) અલ્હાબાદ, તા.૬
ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં એક હિન્દુ પરિવાર ઈસ્લામિક કેલેન્ડરના પ્રથમ માસ મોહર્રમના પ્રથમ દસ દિવસની મજલિસ (અઝાદારી)નું સતત ૬પ વર્ષથી આયોજન કરે છે. સ્વતંત્રતા સમયે એક મુસ્લિમ પરિવારને આપેલ વચનને નિભાવવા તેઓ આ મજલિસનું આયોજન કરે છે.
અહેવાલ મુજબ, અલ્હાબાદના ચોક વિસ્તારમાં ગુડ મંડલી કોલોનીમાં રહેતા આનંદ ગુપ્તાએ જણાવ્યું કે ભારત-પાકિસ્તાન વિભાજન સમયે પાકિસ્તાન જતા પહેલાં ઘરના શિયા માલિકે આનંદના દાદા રામ મૂર્તિ ગુપ્તાને આ ઘર વેચ્યું હતું. શિયા મુસ્લિમ ઘર માલિકને અજાદારીની પરંપરા નિભાવવા આપેલ વચનને પાળવા ગુપ્તા છેલ્લા ૬પ વર્ષથી મજલિસનું આયોજન કરે છે. આનંદ ગુપ્તાએ કહ્યું કે, મોહર્રમના પ્રથમ દસ દિવસ સુધી એમના ઘરમાં નિયમિત રીતે મજલિસ યોજાય છે. વિસ્તારના અજાદાર ઈમામબાડામાં એકત્રિત થાય છે. ત્યાં ઉપસ્થિત લોકોને એક વક્તા સંબોધિત કરે છે. અને કરબલામાં હઝરત ઈમામ હુસૈન (ર.અ.) અને તેમના પરિવાર પર કેવા કેવા અત્યાચાર થયા એ અંગે ઉપદેશ આપે છે. ત્યારબાદ તબર્રુક (પ્રસાદ) વહેંચવામાં આવે છે. આનંદે જણાવ્યું કે ભારત-પાકિસ્તાન ભાગલા પછી ઈમામબાડાની સંપત્તિના માલિકના પરિવારના મોટાભાગના સભ્યો પાકિસ્તાન જતા રહ્યા ત્યારે એમના દાદાએ અઝાદારીનું આયોજન શરૂ કર્યું હતું. એમણે કહ્યું કે અમે હઝરત ઈમામ હુસૈન (ર.અ.) અને એમના પરિવારના સભ્યોની શહાદત (શહીદી)નો માતમ મનાવીએ છીએ અને યજીદની સેનાએ એમના પર કરેલા અત્યાચારોને યાદ કરીએ છીએ. આ મજલિસમાં હિન્દુ-મહિલાઓ અને વિસ્તારના અન્ય લોકો ધર્મના ભેદભાવ વિના મજલિસમાં સામેલ થાય છે. ડેરા શાહ અજમલના એક નિવાસી શાહીદ મજદૂરે જણાવ્યું કે, તેઓ પાછલા ૩૦ વર્ષથી ગુપ્તાના ઈમામબાડામાં આયોજિત કરવામાં આવતી મજલિસમાં સામેલ થાય છે. આ વિસ્તારના મુસ્લિમ ગુપ્તા પરિવારની આ ધાર્મિક ઉદારતાની પ્રશંસા કરે છે.